આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
સાહિત્યને ઓવારેથી
 

ભોગ થઈ પડ્યા, અને તેમણે વડોદરા છોડ્યું. ઇ. સ. ૧૮૭૯ માં ફરીથી તેઓ અમદાવાદ આવ્યા, અને ‘ટ્રેનીંગ કોલેજ’માં સંસ્કૃતના અધ્યાપક તરીકે રહ્યા; સાથે સાથે તેઓ ફરીથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એસિ. સેક્રેટરી બન્યા, અને કોષ રચવાનું કાર્ય પણ તેમણે સ્વીકાર્યું. ત્યારે તેઓ ‘હોપ વાચનમાળા કમિટી’ના સભાસદ બન્યા, પણ સિદ્ધાંતના મતભેદને કારણે ટુંક સમયમાં જ રાજીનામું આપ્યું એમ કહેવાય છે. અંતે શારીરિક સંપત્તિ ક્ષીણ થવાથી, અને કૌટુંબિક કારણોને લીધે તેઓ ઇ. સ. ૧૮૮૧ના નવેમ્બરમાં મલાતજ આવી વસ્યા, અને ઇ. સ. ૧૮૯૩ના ડીસેમ્બરમાં તેમનો દેહ પડ્યો ત્યાં સુધી તેઓ મલાતજમાં જ રહીને કૈંક ગ્રંથો રચતા, કૈંક લેખ લખતા, કૈંક વિદ્વાનોનો પત્રવ્યવહારથી સંપર્ક સાધતા, ને કૈંક પંડિતોની શંકાઓ નિવારતા; મલાતજમાં જ પાઠશાળા ચલાવતા, અને સાથે સાથે આત્મકલ્યાણ માટે તત્ત્વજ્ઞાનના ગ્રંથો પણ વાંચતા.

આ સરળ અને સ્વમાનશીલ વિદ્વાન નરમાં હૃદયની ઉદારતા હતી, અને વિચારની વિશાળતા હતી. તેમનામાં ધાર્મિકતા હતી, પણ ધર્માંધતા ન્હોતી. ધાર્મિકતા અને ધર્માંધતા વચ્ચે તેઓ તલસ્પર્શી વિવેક કરી જાણતા. તેથી તે ધર્માંધતા તરફ વિરોધ દર્શાવવા સારસાના કુબેરપંથની તથા અમદાવાદના જૈનમંદિરની નોકરીમાંથી તેમણે રાજીનામું આપ્યું, અને જૈનભંડારનાં પુસ્તકોને પવિત્ર જૈનગ્રંથ માનવાની ભૂલ ન કરતાં, તેમાંથી મળી આવેલાં ભાલણની કાદંબરી જેવાં પુસ્તકોને બહાર આણ્યાં. જૈનસૂરિ હેમચંદ્રનું વચન ધર્મના વિષયમાં ભલે ન સ્વીકારાય; પણ વ્યાકરણની ચર્ચામાં તો હૈમવ્યાકરણને ય પ્રમાણભૂત ગણવું જોઈએ, એવો આ પરધર્મ–સહિષ્ણુ નરનો આગ્રહ હતો.