આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્રજલાલ શાસ્ત્રી: એક સમર્થ સાક્ષર
૧૭૯
 


મૂર્તિપૂજાનો વિરોધ કરતા ને સનાતનીઓની ખફગી વહોરતા આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સાથે પણ શાસ્ત્રીજી સાહિત્ય અને શાસ્ત્રોની ખુલ્લા દિલથી વાતો કરતા; અને સ્વામીજીની પ્રેરણાથી જ પોતે ‘વૈશેષિક તર્કસાર’ રચ્યો તેમ તેની પ્રસ્તાવનામાં શાસ્ત્રીજી જણાવે છે. ‘હોપ બુક કમિટી’ તરફથી ખ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતોને પોષે તેવા ને હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતો ઉપર ઘા કરે તેવા પાઠ રચવાનું કામ તેમને સોંપવામાં આવ્યું, ત્યારે તેમણે ત્યાંથી સ્વમાન ખાતર રાજીનામું આપ્યું. ક્વચિત્ કવિ દલપતરામ અને રા. બ. હરગોવિંદદાસ કાંટાવાળા સાથે પણ મતભેદ પડતાં તેઓ કોઇનાયે તેજમાં તણાયા વિના પોતાનાં મંતવ્યો દલીલો સાથે જાહેર કરતા. આવી હૃદય–ઉદારતા, ધર્મસહિષ્ણુતા ને સ્વમાન-અંકિત નિખાલસતા તે વખતના પંડિતમાં અતિ વિરલ હતી. વળી, શાસ્ત્રીજીમાં અણુમાત્ર પણ ફુલણજીપણું નહોતું. સદ્‌ગત નરસિંહરાવભાઈએ પણ કહ્યું છે કેઃ “શાસ્ત્રીની નિતાન્ત સરલ મૂર્તિ, સદ્‌ભાવભરેલું હૃદય અને એના જ્ઞાનનાં સ્થાયિ ફળ, એ મારા મુકુરમાં ચિર–સ્થાપિત ચિર–પ્રતિબિંબિત રહ્યાં છે, અને રહેશે.”

શાસ્ત્રીજી ઇંગ્રેજી કેળવણી પામેલાઓમાં ભલે વિનીત ગણાતા હશે, પણ તેમનો જમાનો જોતાં તે વખતના શાસ્ત્રીઓમાં તેઓ અગ્રણી સુધારક અને ઉદ્દામવાદી હતા, તેમ તેમના વિચારો, કાર્યો ને કૃતિઓ ઉપરથી જણાય છે. તેમણે તે યુગના રૂઢિ-ભક્ત શાસ્ત્રીઓની સંકુચિત દૃષ્ટિ-દીવાલોને ભેદી નવયુગની ઉષા નિહાળી હતી; અને તે સમાજહિત તથા ગુજરાતી સાહિત્યમાં સક્રિય રસ લેતા થયા હતા. કવિ નર્મદનો ઉદ્દામ પંથ તેમને અસ્વીકાર્ય હતો, પણ કવિ દલપતરામના ધીમા સુધારાને તેઓ સહર્ષ