આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
સાહિત્યને ઓવારેથી
 

સુવાસ ગામડે ગામડે ફેલાવતો. બ્રાહ્મણોમાં ય તે વખતનો શાસ્ત્રી વર્ગ ઉર્દુ ફારસીને ઉવેખી, અને પ્રાકૃત અપભ્રંશને અવગણી, માત્ર સંસ્કૃતમાં જ લીન રહેતો; અને આ જ્ઞાનબળે જ તે લોકાદર પામતો. પ્રાચીન, ગહન અને પવિત્ર સંસ્કૃતભાષા આગળ ત્યારે ગુજરાતી, મરાઠી જેવી દેશી ભાષાઓ પણ હિસાબમાં ન્હોતી. ઉર્દુ અને ઇંગ્રેજી તે યુગના શાસ્ત્રીવર્ગને મ્લેચ્છોની ભાષા લાગતી, સંસ્કૃત તે દેવવાણી ગણાતી, અને અન્ય જીવંત ભાષાઓ અપૂર્ણ કે અશુદ્ધ મનાતી. આવી વિષમ પરિસ્થિતિમાં તે યુગના શાસ્ત્રીવર્ગ દ્વારા સંસ્કૃત સાહિત્યની ગંગાને ગુજરાતી ભાષાભૂમિ ઉપર ઉતારવી, ને તેને લોકપ્રિય બનાવવી, એ તો માત્ર કલ્પના જ હતી.

વિશેષમાં, ત્યારે પ્રાંતે પ્રાંતની અને ધર્મે ધર્મની ઉત્કટ અસ્મિતા હતી. ગુજરાતી અને દક્ષિણી શાસ્ત્રીઓના વૈર અને વૈમનસ્યથી ભરેલા સંકુચિત વાડા હતા. તે બંનેની શુદ્ધ સ્પર્ધાથી સંસ્કૃત સાહિત્ય વિશેષ સમૃદ્ધ થાત, પણ તે સ્પર્ધા તો ઈર્ષાની ઉધઈથી ખવાઈ ગઈ હતી; ને તેથી સંસ્કૃતની ઉત્તમ પ્રગતિ પણ રૂંધાઈ ગઈ હતી. ત્યારે જૂનવાણી યુગ ઓસરતો હતો, ને નવ યુગની ઉષા ફૂટતી હતી. આ સંક્રાન્તિકાળમાં વ્રજલાલ શાસ્ત્રીએ બંને યુગનાં શુભ તત્ત્વો સમન્વય કર્યો; તથા બંનેનાં અપથ્ય તત્ત્વો સામે ટક્કર ઝીલી, અથવા તો તેમનાથી અળગા રહ્યા. તેથી જ તેમણે નર્મદના સુધારાને સાથ ન આપતાં દલપતરામનો રાહ સ્વીકાર્યો; અને ખોટા વ્હેમ કે દુષ્ટ રિવાજને સખત નિંદવા છતાં તેમણે કદી મદિરાપાન કે વિધવાવિવાહને ટેકો ના આપ્યો.

અને હવે આપણે શાસ્ત્રીજીની કૃતિઓ ઉપર આવીએ.