આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. કેશવલાલ ધ્રુવ
 


અને સાહિત્યસેવા માટે તેમણે કેટલી બધી એકાગ્રતા દાખવી ? અંગ્રેજી કવિ મૅથ્યુ ઍરનોલ્ડે ગાયું છે તેમ એક જ ધ્યેય સેવતા એ શારદાના પટ્ટશિષ્યે રાજકારણને બાજુએ મૂક્યું, સમાજસેવા તરફ આંખ મીંચી, ધર્મસેવા તરફ પીઠ કરી, અને માત્ર ૐ नमः साहित्यदेवाय –એવો જ રાતદિવસ જાપ જપ્યો. રાષ્ટ્રીય ચળવળથી તેમનું હૈયું સ્પષ્ટ રીતે ડોલતું નથી,– જો કે તેમાં તેમની હૃદયથી સહાનુભૂતિ ઘણી છે;– અને સમાજના બંડથી તેમનું ધ્યાન વિભક્ત થતું નથી;–જો કે તેમના સામાજિક વિચારો ઘણા વિશાળ ને ઉન્નત છે;–રેલ હો કે દુકાળ હો, હિમ હો કે તીડ હો, સુરાજ્યવ્યવસ્થા હો કે અંધાધુંધી હો; ગમે તે હો. ત્હોયે તેમને મન તો સાહિત્યદેવની ઉપાસના એ જ મોક્ષનું પરમ સાધન.

કેશવલાલભાઇમાં સમભાવ છે, પણ તેમની અગાધ વિદ્વત્તાને લીધે મતભેદની સહિષ્ણુતા તેના પ્રમાણમાં થોડી લાગે. તેમનામાં ઉત્સાહ છે, પણ કલહની કાયરતા છે; વિવેચના અને ટીકાની શક્તિઓ છે, પણ છતાંયે તેમને ટીકાકારની જાહેર જોખમદારીઓ નથી વહોરવી. એકલા ને અટુલા રહીને સાહિત્યનાં તિલક કરતાં તેમનાં સિત્તેર સિત્તેર વર્ષો વહ્યાં, અને સર્વ અંગો શિથિલ થયાં, તોપણ તેમનું એક જ ધ્યેય. તેમને મન તો સાહિત્ય એ જ પરમ દૈવત છે, ને શબ્દબ્રહ્મ એ જ સાચું બ્રહ્મ છે. તેમને સત્ય પ્રિય છે, પણ સમાજ વધુ પ્રિય છે. મર્હુમ સર રમણભાઈ અને દી. બ. નર્મદાશંકર મહેતાના સંસ્કૃતિયુગનો પડઘો પાડતા હોય તેમ તેઓ લોકમતની વિરુદ્ધ જઈ પોતાનો સત્ય મત રજૂ કરતાં બહુ બહુ વિચાર કરે; અને વ્યક્તિગત વિરોધ પણ