આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
સાહિત્યને ઓવારેથી
 


બાબાને’ વગેરે કાવ્યો કલાપીની કોમળ લાગણીનાં જ પ્રતીક બને છે; જ્યારે ‘મનુષ્ય અને કુદરત,’‘વ્હાલીને નિમંત્રણ,’ ‘એક ચંડોળ,’ ‘અતિ મોડું’ ઇત્યાદિ કાવ્યો કવિહૃદયમાં ચાલી રહેલી પ્રેમની ગડમથલ સૂચવે છે. પણ આ વર્ષનું સૌથી વધુ લક્ષમાં લેવા લાયક કાવ્ય તો ‘હૃદયત્રિપુટી’ છે. શોભના તરફના સ્નેહમાંથી ઉદ્‌ભવતું પ્રીતિ અને નીતિનું જે દ્વંદ્વ યુદ્ધ આ પ્રણયી રાજવીના અંતરમાં ચાલી રહ્યું હતું, તેનો જ કૈંક વાસ્તવિક અને કૈંક કાલ્પનિક વૃત્તાંત કવિ આ કાવ્યમાં આપે છે, ને આ રીતે એ તુમુલ તોફાનને શમાવવા મથે છે. અંતે તે કહે છે કે:—

“મ્હાલ્યાં ત્રણે હૃદય એક જ સ્વપ્ન માંહી,
સાથે મળી જ્યમ મળે દરિએ નદી બે.”

આ કથામાં પ્રેમની ઝંખના છે, ને કાલ્પનિક સૃષ્ટિ છે; તેથી પ્રેમ અને કલ્પનાના પ્રોજ્જ્વળ રંગોમાં વાસ્તવિકતાના અંશો ક્યાંય ઢંકાઈ જાય છે.

વિશેષમાં, આ વર્ષ ‘ભરત’, ‘એક આગીઓને,’ ‘એક ઘા,’ ‘રખોપીઆને’ વગેરે, મનુષ્યેતર પ્રાણીઓ તરફ કવિની કોમળ અનુકંપા દર્શાવતાં કાવ્યો પણ આપે છે. આમ ગૂઢ પ્રેમદર્દ, ગૃહજીવનના કોમળ ભાવો, અને ભૂતદયાઃ આ ત્રણ આ વર્ષના કલાપીસર્જનનાં મુખ્ય લક્ષણો છે.

પ્રેમના આ આંતરવિગ્રહ વખતે કલાપીની કાવ્યસરિતા ઇ. સ. ૧૮૯૭ માં વધારે વેગથી વહે છે. રાગ અને ત્યાગ, સૌન્દર્ય અને સંગીત, આશા અને નિરાશાનાં કવિહૃદયમાં વમળ સતત ચાલુ જ રહે છે. ‘વીણાનો મૃગ’ અને ‘અસ્વસ્થ ગૃહિણી’