આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૧૯૫
 


એ સૌન્દર્યદર્શી, સંગીતપ્રેમી અને કોમળ હૃદયવાળા કવિની અસ્વસ્થતા જ પૂરવાર કરે છે. ભરતીએ ચઢેલા કવિના પ્રેમસાગરના ઘૂઘવાટા પાછા ચાલું જ રહે છે અને એના ગર્જનના પડઘા કેટલાંયે આત્મલક્ષી પ્રેમ–કાવ્યોમાં સંભળાય છે. ‘ઈશ્કનો બન્દો,’ ‘હું ત્હારો હતો,’ ‘ઇશ્ક–બિમારી,’ ‘તે મુખ.’ ‘તારાં આંસુ’ વગેરે કેટલાંયે કાવ્યોમાં આ એક જ ભાવ ઉભરાઈ ઉભરાઈને આગળ વધે છે અને ક્વચિત્ તેમાં ‘જન્મદિવસ’ ‘રુરુદિષા,’ ‘પરવાર્યો’ ઇત્યાદિ નિરાશાના રંગ પૂરે છે. પ્રેમના તોફાને ચઢેલું કવિહૃદય તેથી ક્રમશઃ નિરાશ ને નીરસ બનતું જાય છે. આવી નિરાશામાં તે કહે છે કે—

“બે ચાર જન્મદિવસ વહી કાલ જાશે,
ને મૃત્યુની જલદ પાંખ સમીપ થાશે.” (જન્મદિવસ)

આ વર્ષ કલાપી માટે પ્રેમની પરાકાષ્ટાનું હોઈને તેનાં સર્વાનુભવરસિક કાવ્યોનું મૂળ પણ તેની હૃદયવ્યથા જ છે. આ સમયમાં તેના લાગણીવશ હૃદયને શોભના માટે શું શું લાગતું હતું તે તેણે કાન્તને તા. ૨૬–૧૨–૯૭ના રોજ લખેલા પત્ર ઉપરથી સમજાય છે. તેમાં કલાપી લખે છે કે:–“મારે માટે સહેવાનું રહ્યું છે, તે બહુ લાગતું નથી…… જે બાળા કોઈ વખતે મ્હારી શિષ્યા હતી, કોઈ વખતે પ્રિયા હતી, તેના આત્માનો વિકાસક્રમ શી રીતે ચાલે છે, તે જોવાની અને તેમાં કંઈ મદદ કરવાની, તેને મારી સાથે દોરી જવાની મ્હારી બધી આશાઓ તુટી પડી છે, એ બહુ લાગે છે. તે બીમારી શી રીતે સહન કરી શકશે?…… કદાચ મને શાન્તિ મળશે પણ ખરી. પણ જ્યાં હું ઊભો હોઉં ત્યાં તે ન હોય, જ્યાં તે હોય ત્યાંથી એક તસુ પણ ઉપર લેવાને મ્હારી પાસે કશું સાધન પણ ન મળે,