આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૨૦૩
 


છે, કહો કે પ્રભુતા છે… તેના હૃદયમાંથી કવિતા વહે છે… તેની કલા સ્વાભાવિક, કુદરતી છે…… (ને) જીવનની હોઇને વધારે સ્થાયી છે.” સ્નેહસાગરમાં પ્રપાત પામેલા આ સુરસિંહની વાણીમાંથી કોમળ ભાવ, ને સ્વાર્પણ માટે ય સામર્થ્ય દાખવે તેવો પ્રેમ જ નિતાન્ત નિતર્યા કરે છે. ‘કરૂણ હૃદયના સરલ, સ્પષ્ટ, સ્વાભાવિક સાહજિક ઉદ્‌ગારો” જ તેમાં પ્રાયઃ ભરેલા છે. કલાપીમાં “વાર્તારસ, વર્ણન છટા, કુદરતી પિછાન અને શબ્દની સરળ સરતી મિલાવટના જેવા ગુણોથી લાગણીનું શબ્દમય અવતરણ સફળ બની જાય છે, અને તેથી આધુનિક વાચકો તેના પર ફીદા ફીદા થઈ જાય છે.” ક્ષમા, ઉદારતા, સંગીતશોખ ઇત્યાદિ જેવાં ઉદાત્ત તત્ત્વો, છંદોનું વૈવિધ્ય ને શબ્દોનું પ્રભુત્વ તેમાં કેટલાંક કાવ્યોને કાન્ત ને કોમળ પદાવલી અર્પે છે, અને વાચકને મંત્રમુગ્ધ જ કરે છે. કવિ ન્હાનાલાલ કહે છે કે:– “કેકારવ એટલી કલાપીના અન્તરોદ્‌ગારની ગીતાવલી.” કલાપીની આ મધુર કેકાના ત્યારે સમગ્ર ગુજરાતમાં પડઘા પડતા. બે દશકા ઉપર એવો પણ એક સમય હતો કે જ્યારે દરેક સાહિત્યપ્રિય યુવક ‘કેકારવ’ને જ ઝંખતો અને તેની ભાવવાહી પંક્તિઓ કંઠસ્થ કરતો. કલાપીહૃદયના સ્વયંભૂ સરળ ઉદ્‌ગારો તેમની કોમળતાથીઆંસુના રંગથી–વધુ આકર્ષક બને છે, અને તેની કરુણતા જ વાચકને આહ્‌લાદ અર્પે છે. કરુણતા એ જ કલાપીની કવિતાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સત્ત્વ છે, અને તેથી જ તે ‘આંસુ પાડી અને પડાવી શકે છે.’

આમ આ યુવાન રાજવી–કવિ જીવન ને કવનનો સમન્વય સાધતો ગયો, અને અલ્પ આયુષ્યમાં કે સાહિત્યમાં