આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૨૦૭
 


સાચું દૃષ્ટિબિંદુ નથી. કલાપીએ તેની ભરજુવાનીના મંથનકાળમાં કે જ્યારે વિચારો પુખ્ત કે પરિપક્વ નથી હોતા, ત્યારે આવી કવિતાનો પ્રબળ ધોધ વહેવરાવ્યો તે જ અતિ અગત્યનું છે. ગુજરાતનું કાવ્યસાહિત્ય જ્યારે જૂના જમાનામાંથી નવયુગમાં સંક્રાંત થતું હતું, ત્યારે આ સંક્રાતિ–કાળે કલાપીએ પોતાના ‘કેકારવ’થી સાહિત્યમાં સુંદર ફાળો આપ્યો.

કલાપીની કવિતાના વિશિષ્ટ ગુણો જો આપણે ફરીથી સંક્ષેપમાં ગણાવીએ, તો કહેવું પડે કે કાન્તની કલાની નહિ પણ તેની કરુણતાની, દયારામના પદલાલિત્યની નહિ પણ તેની પ્રેમ–ભક્તિની, પ્રેમાનંદની રસ–સંક્રાંતિની નહિ પણ તેની ચિત્રશક્તિની, ન્હાનાલાલની કલ્પનાની નહિ પણ તેમની વિશદતાની, ખબરદારની વીરતાની નહિ પણ તેમની મધુર કોમળતાની, અને બોટાદકરની રસિકતાની નહિ પણ તેના ગૃહજીવનના સુંદર ભાવોની કલાપીમાં વત્તી ઓછી ઝાંખી થાય છે તો ખરી જ !

અંતમાં, કલાપીને કાવ્યગિરિના ઉન્નત શિખરે બેસાડવો, કે તે ગિરિની માત્ર તળેટીએ જ તેને રાહ જોતો ઉભો રાખવો, એ બંને સરખું જ અન્યાયભરેલું છે. તેનાં સારાં કે ખોટાં, પ્રારંભનાં કે પછીનાં, અંગત કે સર્વસામાન્યઃ આ સૌ કાવ્યો તેના ‘કેકારવ’માં સંગૃહીત થયાં હોવાથી જ તેને કદાચ અન્યાય થવાનો યે સંભવ છે. પણ તેની નાની ઉંમર, ગુજરાતી કાવ્ય–સાહિત્યની દરિદ્રતા, કલાપીની કેટલીક સુંદર કવિતાઓ ને ગઝલો, અને કાવ્યક્ષેત્રની મર્યાદા: આટલા મુદ્દાઓ જો ધ્યાનમાં રખાય, તો વાચક કલાપીને બીજા વર્ગના ગુર્જર કવિઓમાં બહુ ઊંચું સ્થાન આપવા પ્રેરાશે. ‘કલાપી વિશેષ જીવ્યો હોત…તો’ એ