આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રંગભૂમિ–ઉદ્ધારક રણછોડભાઈ
૨૧૫
 


હોવાથી તેનું સંવિધાન બહુ સાદું રાખ્યું છે તેવો નિખાલસ એકરાર પણ કર્તા તેની પ્રસ્તાવનામાં જ કરે છે. સંવાદને જ સાધતી અને અસ્થાને યોજાયેલી સુદીર્ઘ પદ્યરચનાઓ, રંગલાના સગાભાઈ સરખા વિદૂષકના ચેનચાળાઓ અને ભવાઈનાં તત્ત્વોને લીધે આ નાટક ઘણી વખત ગદ્યવાર્તાના શુષ્ક પ્રદેશમાં સરી પડે છે, અને ક્લેશકર તથા નીરસ બની જાય છે. સંસ્કૃત નાટકોની કૌશલભરી વસ્તુયોજના, કલાયુક્ત સંવિધાન કે ક્રમિક પાત્રવિકાસ ‘જયકુમારી વિજય’માં ન જડે તેથી વાચકે નિરાશ થવાનું નથી. આવી ખામીઓ છતાં પ્રચારાર્થે લખાયેલું આ નાટક રંગભૂમિ ઉપર સફળ થયું, સામાન્ય પ્રેક્ષકવર્ગને ખૂબ ગમી ગયું અને સુધારાને વેગ આપતું ગયું તે તો નિઃસંશય જ છે. આમ જેમને માટે આ નાટક રચાયું હતું, તેમને તે રૂચિકર થઈ પડ્યું; અને જે હેતુથી લખાયું હતું તે હેતુ પણ સફળ થયો. આવી સિદ્ધિથી રણછોડભાઈ યોગ્ય રીતે જ નાટ્યકાર તરીકે ખૂબ વખણાયા ને વિખ્યાત થયા.

પણ ગુર્જર નાટ્યસાહિત્યના ઉત્પાદક તરીકેની સર્વોત્કૃષ્ટ લોકપ્રિયતા તો રણછોડભાઈને ‘લલિતા દુઃખદર્શક’ નાટકથી જ મળી. આ નાટકની રચનાથી નાટ્યકાર રણછોડભાઈનો કીર્તિધ્વજ ગુજરાતભરમાં ફરકવા લાગ્યો. પ્રાકૃતજનની રુચિને સંતોષવા ખાતર કે અધમ વર્ગના પ્રેક્ષકગણના મનરંજનાર્થે નાટ્યકારે નીચી પાયરીએ ન ઉતરતાં એ વર્ગને પોતાના જ નક્કી કરેલા આદર્શે લઈ જવાય તે રીતે જ નાટક રચવું જોઈએ એવો તેમનો દૃઢ સિદ્ધાંત હતો. પણ આ સિદ્ધાંતથી રંગભૂમિનું ક્લુષિત વાતાવરણ સ્વચ્છ થયું ન થયું ત્યાર પહેલાં તો આ સિદ્ધાંતનો ભંગ કરનાર અધમ કૃતિઓથી તે પુનઃ મલિન બન્યું.