આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
સાહિત્યને ઓવારેથી
 


‘લલિતા દુઃખદર્શક’ નાટક કુલીનતાવાદનો ત્યાગ કરી ગુણ અને સંસ્કારની સમાન ભૂમિકા ઉપર જ લગ્ન કરવાનો બોધ દેવા માટે રચાયું છે. “આ કરતાં વળી તેને (કન્યાને) પસંદ પડતા યોગ્ય વર સાથે લગ્ન કરવા દેવું એ તો ઉત્તમ છે. આવો લાભકારક ધારો જેમ પ્રસરતો જશે તેમ આપણી હાલત સુધરશે.” આમ પ્રસ્તાવના પોતેજ લેખકની અભિલાષા અને વિચારસ્વતંત્રતા વ્યક્ત કરે છે. અનુભવ ને મ્હાવરો વધતાં આ નાટકમાં ભવાઈની અસર બહુ ઓછી દેખાય છે, પણ તેમાંથી તે સંપૂર્ણ મુક્ત તો નથી જ. રંગલાની રમુજ અહીં પણ ક્વચિત્ ક્વચિત્ “પંથીરામ” આપતો રહે છે, ને આ રીતે તે પોતાનું લાક્ષણિક પાંડિત્ય દાખવે છે. પાત્રોનો પદ્ધતિયુક્ત મનોવિકાસ, સુરેખ ને જીવંત પાત્રોનું નિરૂપણ, અને ઉચ્ચ કલાવિધાન જેવાં તત્ત્વો આ નાટકમાં અતિ વિરલ છે; ત્હોયે બેશક કહેવું જોઈએ કે પાત્રો લાક્ષણિક છે, પ્રસંગગૂંથણી આકર્ષક છે, વસ્તુ રસપ્રદ છે ને અંત હૃદયસ્પર્શી છે. પરંતુ, આમાં અસંભવિતતા, અતિશયોક્તિ કે અર્થહીન પુનરુક્તિ ક્વચિત્‌ સુરુચિનો ભંગ કરે છે, ને કાર્યની ગતિને સ્ખલિત કરે છે. સંવાદ કે વર્ણન માટે યોજાયલાં લાંબાં પદ્યો પણ દીર્ઘસૂત્રીપણું જ દાખવે છે, ને કલાક્ષતિ કરી નીરસતાનેજ નોતરે છે. છતાં એકંદરે તો નાટકના વાસ્તવદર્શી કે ચમત્કારી પ્રસંગો અને આકર્ષક દૃશ્યો પ્રેક્ષક વર્ગને પ્રસન્ન કરે છે. રંગભૂમિ ઉપરની નાટકની સફળતાએ તેને ખૂબ લોકપ્રિય બનાવ્યું; તથા પ્રેક્ષક સમુદાયના મન ઉપર તેણે તીવ્ર અને સચોટ અસર કરી. આમ તખ્તા–લાયકી, વાસ્તવ દર્શન, કાર્યની ગતિ અને પ્રચારહેતુને માટે ‘લલિતા–દુઃખદર્શક’ નાટક સુવિખ્યાત બની તેના કર્તાને