આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
સાહિત્યને ઓવારેથી
 


સંસ્કૃત સાહિત્યમાં કરુણાન્ત નાટકના અભાવનાં મૂળ કારણો જરા જાણવા જેવાં છે. આર્યમાનસ અને આર્યસંસ્કૃતિનું આ કારણોમાં પ્રતિબિંબ પડતું હોવાથી સ્હેજ વિષયાન્તર કરીને પણ આ કારણની અહીં સંક્ષિપ્ત સમીક્ષા કરવામાં આવે છે.

નાટકની મૂળ ઉત્પત્તિ ધાર્મિક વાતાવરણમાં જ થઈ હતી. પ્રારંભમાં કંસહન્તા શ્રીકૃષ્ણ જેવા દેવો તેમાં નાયક તરીકે નિરૂપાતા હોવાથી નાટકને કરુણાન્ત બનાવવું એ ઈષ્ટ ન હતું; કારણકે લોકોની ધર્મભાવના દૈવી પાત્રોનો પરાભવ કે વિનાશનું નિરૂપણ સાંખી લેવા તૈયાર ન હતી. બીજું કારણ એ છે કે કાળબળે તેમાં નિરૂપાતાં માનવ પાત્રોની લોકોત્તરતાએ આ પ્રણાલિકાનું સમર્થન કર્યું. નિયત ધ્યેયે દોરી જવા સમર્થ હોય તે જ વસ્તુતઃ નાયક ગણાતો; પણ આવું સામર્થ્ય અસામાન્ય માનવીનો–લોકોત્તર પૃથ્વીપતિનો જ–ઈજારો મનાતો. તે કુલીન, પરાક્રમી અને ધીરોદાત્ત આલેખાતો. આવા ગુણનિધાન ભૂપતિનો પરાભવ કે વિનાશ પ્રેક્ષકો કલ્પી શકતા જ નહિ, અને નાટ્યકારો તેથી તે નિરૂપતા જ નહિ. સમર્થ નરાધિપ સરખા નાયકને નાટકના અંત ભાગમાં વિષાદ કે વિનાશની ખીણમાં હડસેલી ન દેવાય; પરિણામે નાટક કદી કરૂણાન્ત બની જ ન શક્યું. પણ સંસ્કૃત સાહિત્યમાં કરૂણાન્ત નાટકના અભાવનું એક ત્રીજું કારણ હજુ બાકી રહે છે. આ જન્મે નહિ, તે આવતે જન્મે અંતે તો સાધુઓ જ ઉગરે છે, ને દુષ્ટનો વિનાશ થાય છે. ગીતાના ગાનાર શ્રીકૃષ્ણ મહારાજને આ કોલ નાટકમાં પણ ધ્યાનપાત્ર બને છે. ધર્માત્માઓનો વિજય અને પાપીઓનો પરાભવ એ સિદ્ધાંત મનુષ્યની ઈશ્વરી શ્રદ્ધામાં જ આજે પણ, સર્વોત્તમ શરણ મેળવી રહ્યો છે. આ જન્મે નહિ તો જન્મ–જન્માંતરે