આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ : વિઘાર્થી-જીવન
૨૩૧
 


આજે અમદાવાદના ને સમગ્ર ગુજરાતના સાહિત્યપ્રિય નવયુવકોમાં નથી જણાતો. મુંબઈ યુનિવર્સિટીએ પદ્યરચના પર ભાષણો કરાવી ધ્રુવ સાહેબનો જ્ઞાનનિધિ જાહેરમાં મૂક્યો, પણ આ મહાવિદ્વાનને કોઈ માનદ પદવી અર્પી હજુ તેણે કૃતકૃત્યતા કે ગુણજ્ઞતા તો નથી જ દાખવી. કેશવલાલભાઈ શબ્દ–કોષના સૂક્ષ્મ રચયિતા છે, વ્યાકરણના વિશિષ્ટ અભ્યાસી છે, અને પ્રેમાનંદ વિષે ભર્યો ભર્યો ભંડાર છે. આપણી સાહિત્ય સંસ્થાઓ આ મૂક સાહિત્યસેવક પાસે તેમની શરમાળ પ્રકૃતિ છોડાવી તેમની વિદ્વત્તાખાણને સવિશેષ ખોદાવી શકી નથી. એક શાંત અને સમર્થ, વૃદ્ધ અને સમૃદ્ધ સાહિત્યકાર પ્રતિ આપણા સાહિત્યપ્રિય યુવકોની, આપણી વિશાળ વિદ્યાપીઠની અને જાહેર સાહિત્ય સંસ્થાઓની આ કેવી કદરદાની અને મનોવૃત્તિ છે ?

ગુર્જર સાહિત્યના એવા આ પરમ ભક્તરાજને તેમનો આ નમ્ર શિષ્ય તેમનાં પોણોસો વર્ષના સમાપ્તિ સમયે, વિશુદ્ધ ભાવે અનેકાનેક વંદન કરી કૃતાર્થ થાય છે.*[૧]



  1. * આ લેખની ઘણી હકીકતો મને રૂબરૂ પૂરી પાડવા માટે શ્રીયુત કેશવલાલભાઈનો હું અત્યંત ઋણી છું.–કર્તા
    તેમના ખેદજનક અવસાનની પ્રથમ ખંડમાં નોંધ લેવામાં આવી છે જ.–કર્તા (બીજીઆવત્તિ)