આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪
સાહિત્યને ઓવારેથી
 


તેમના પોતાના જ આપબળ ઉપર છોડી દઈને એકલા અટુલા રહેવા દીધા છે; અને આમ ગુજરાતી વાઙ્‌મય ઘરકૂકડી સ્ત્રીની માફક ઘણુંખરૂં ગુજરાતની ચાર સીમાઓમાં જ પૂરી રાખ્યું છે. લક્ષ્મીનંદનોની અમીનજર વિના અને સદ્ધર સાહિત્ય સંસ્થાઓના સહકાર વિના ગુજરાતી સરસ્વતીનાં વહેણ તેથી ભારતવર્ષના પરપ્રાંતમાં ન જતાં ગુજરાતમાં જ થંભી ગયાં છે; અને હવે તે સરસ્વતીનાં જળ પોતાના જ પ્રદેશની સાહિત્યપ્રિય જનતાની તૃષ્ણા સંપૂર્ણ છિપાવી શકતાં નથી.

કેશવલાલભાઈને ય સાહિત્યનાં આ સામાન્ય બંધનો ને પ્રતિકૂળતાઓ ધ્યાનમાં રાખવાનાં જ હતાં. પણ નીચાણમાં વહેતાં જળને અને અભિમત સંકલ્પની સિદ્ધિ માટે નિશ્ચયાત્મક બનેલા મનને કોણ રોકી શકે ? પરાક્રમશૂરાથી તે કાંઈ પ્રારંભશૂરા બનીને જ સંતોષ સેવાય નહિ. સરસ્વતીના આ અહર્નિશ જાગૃત ભક્ત સ્વાધ્યાય ચાલુ રાખે છે, અને અનેકવિધ મુશ્કેલીઓ કે પ્રલોભનોને મહાત કરી આગળ માર્ગ કાપે છે. તેમના ઉદ્યોગને સીમા નથી, તેમની કાર્યશક્તિને બંધન નથી, ને તેમના ધૈર્યને હદ નથી. ક્યાંએ અધીરાઈ નહિ, ઉતાવળ નહિ, છીછરાપણું નહિ. સ્વાધ્યાય, સંશોધનવૃત્તિ અને સંગીનતા: એ બધાંનો ત્રિવેણીસંગમ સાધતા આ સાહિત્યભક્તની ભક્તિ અખંડિત રાખવાને એક જ જ્વલંત અભિલાષ, એક જ ભીષણ નિશ્ચય બસ હતો.

વિદ્યાપીઠની પદવી લીધી તે જ વર્ષમાં ‘મુગ્ધાવબોધમૌક્તિક’ નામે વ્યાકરણનો ગ્રંથ મોટાભાઈ પ્રસિદ્ધ કરે છે. ‘મુગ્ધાવબોધ–મૌક્તિક’ કે ‘મુગ્ધાવબોધ–ઔક્તિક’, શુદ્ધ નામ કયું ? પ્રસિદ્ધકર્તાએ તેને ‘મૌક્તિક’ માન્યું. કેશવલાલભાઈ માનપૂર્વક