આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
સાહિત્યને ઓવારેથી
 


સંસ્કૃતપ્રિય મહારાષ્ટ્રમાં જ પોતાની વિદ્વતાનો વિજયડંકો વગડાવનાર ગુજરાતીઓ આજે પણ કેટલા વિરલ છે ? આ પુસ્તકનાં પ્રામાણ્ય ને પ્રશંસા મ્હૈસૂરની વિદ્યાપીઠને પણ આકર્ષે છે, ને ત્યાં તેનો પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર થાય છે.

‘મુદ્રારાક્ષસ’ની ગુજરાતી અને સંસ્કૃત આવૃત્તિઓ તૈયાર કરવામાં વચ્ચે વચ્ચે સમયનાં કેટલાંય અંતર પડ્યાં હતાં. એવા અંતરે અંતરે બીજી કૃતિઓ પણ હાથ ધરવામાં આવતી. ધ્રુવસાહેબનું ‘અમરુશતક’ આવા જ સંયોગોમાં ગુજરાતી કાયા પામ્યું છે. મૂળ તો તે સંસ્કૃતમાં ‘કાવ્યમાલા સીરીઝ’ તરફથી પ્રસિદ્ધ થયેલું. તેની છએક ટીકાઓ પણ જાહેરમાં આવી છે; પણ તેમાં વૈરાગ્ય અને શૃંગાર બંનેના અર્થ છે, એ માન્યતા ધરાવતી આમાંની કેટલીક ટીકાઓ તો નિરર્થક જ છે; છતાં ‘કાવ્યમાલા સીરીઝ’માં આવેલી ટીકા તથા શ્રી. છગનલાલ વિદ્યારામ રાવળે મોકલેલી ટીકાનો શ્રીયુત કેશવલાલભાઈ સ્વાધ્યાય માટે સંપૂર્ણ ઉપયોગ કરે છે, અને પાઠ તથા અર્થ નક્કી કરી ઈ. સ. ૧૮૯૩માં તેને ગુજરાતી શબ્દદેહ અર્પે છે. આ પ્રથમ આવૃત્તિ તેઓ સંસ્કૃત આર્યા લખી કચ્છના મહારાવને માનપૂર્વક અર્પણ કરે છે, અને તે રીતે કચ્છનાં મીઠાં સ્મરણોને મહિમા અર્પે છે. આ ભાષાંતરથી કેશવલાલભાઈ અમરુને ગુજરાતીમાં અમર કરે છે; પોતાની ઉચ્ચ રસિકતા ને ગહન વિદ્વત્તાની ગુજરાતી સાહિત્યપ્રિય જનતાને સવિશેષ જાણ કરે છે; અને એકંદરે ગુજરાતના દામ્પત્યજીવનને તેમાંનાં ભાવપૂર્ણ ચિત્રોથી ચકિત કરે છે.

વળી, ‘ગીતગોવિંદ’ના કર્તા કેશવલાલભાઈને વર્ષોથી આકર્ષી રહ્યા છે. પોતે ઈંગ્રેજી ત્રીજા ધોરણમાં હતા ત્યારે મોટાભાઈના