આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૧)
૨૪૩
 


તરફની પોતાની પ્રસન્નતાના પ્રતીક રૂપે દસેક છાપેલી પ્રતો કેશવલાલભાઈને મોકલી આપે છે.

પણ આ ભાષાંતર કરવામાં શી રીતે સફળતા મળે ? તેમાં કયું કલાકૌશલ્ય જોઇએ ? ભાષાંતરકલા એ કાંઈ દરેક અભ્યાસીનો ઈજારો નથી, કે પ્રાકૃત જનોની સર્વસામાન્ય સંપત્તિ નથી. ભાષાંતર કેવળ શબ્દોના પલટાથી નથી થતું, કે ભાષાના ફેરફારથી નથી નીપજતું. શબ્દોના પર્યાય ખડકવાથી કે કેવળ સમશ્લોકી સ્વરૂપ આપવાથી જ જો પ્રાસાદિક ભાષાંતરો થતાં હોત, તો કેશવલાલભાઈ જેવાને સમર્થ ભાષાંતરકાર તરીકે આવાં ભવ્ય માન આપવાનું આપણને કારણ ન હોત. ઉત્તમ ભાષાંતરનું કાર્ય એ કાંઈ સહેલું ને શ્રમવિહોણું સામાન્ય કાર્ય નથી. તેમાં કોઈ કોઈ વખતે એક વાક્ય કે એક પંક્તિ પાછળ કલાકોના કલાકો, ને દિવસોના દિવસો ગાળો ત્હોયે સંતોષ ન થાય. વિજય વાંછતા ભાષાંતરકારે મૂળ કર્તાને સંપૂર્ણ સમજવો જોઈએ, તેનાં સમયબળોને લક્ષમાં લેવાં જોઈએ, તેના જીવનપ્રસંગોને નિરખવા જોઈએ, ને તેની કૃતિનું હાર્દ જાણવું જોઈએ. ભાષાંતરકારને મૂળ લેખકની મર્યાદાનાં બંધન છે, અને છતાંયે તેને વિવેકથી વધુ સૂક્ષ્મ દૃષ્ટિ વાપરવી પડે છે. મૂળ કર્તા સાથે સંપૂર્ણ એક્તા સાધી, ભાષાંતરકાર સ્વભાષામાં તેનો સંપૂર્ણ પ્રતિનિધિ બને છે; પણ તે પ્રતિનિધિત્વ કેવળ શબ્દોનું નહિ, પણ ભાવનું છે; ભાષાનું નહિ, પણ રસનું છે. ભાષાંતરકારને મૂળ લેખકનાં બંધનો સ્વીકારીને પણ સ્વભાષાની મર્યાદાઓ, ખૂબીઓ અને વિશિષ્ટતાઓ ધ્યાનમાં રાખવાની હોય છે. તાદાત્મ્ય, રસસંક્રાતિ અને પાઠશુદ્ધિની ત્રણ પાંદડીવાળાં બીલીપત્રથી જ તે તેના મહાદેવની ઉપાસના કરે છે. એકાગ્રતા ને ભક્તિ