આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૨)
૨૫૩
 


તિમિરને નિશ્ચલ સારસ્વત જ્યોથી વિદારતા આ ભાવનાશાળી ભાષાંતરકાર અડગ હિંમતથી જીવનના વિષમ પંથ કાપે છે, અને વાસ્તવિક જગતની સર્વ ચિંતાઓ અપાર્થિવ સત્તાધારીને સોંપે છે.

આવી ભાવના અને વિષમ સંજોગોથી અંકિત થતું ‘પરાક્રમની પ્રસાદી’ ગુજરાતી શબ્દદેહે દૃષ્ટિગોચર થાય છે, અને ‘વિક્રમોર્વશીય’ના બે ગુજરાતી ભાષાંતરોની સંખ્યામાં ઉમેરો કરે છે. રણછોડભાઈ અને કીલાભાઈનાં ભાષાંતરો ત્યારે પ્રસિદ્ધિ પામી ચૂક્યાં છે. કીલાભાઈની આવૃત્તિ તો ‘ગુજરાતી’ સાપ્તાહિકે ખરીદી લીધી છે. આ પરિસ્થિતિમાં ‘વનમાળી’ રૂપે અદીઠ રહેતા ‘કેશવ’ શ્રીયુત હિંમતલાલ અંજારીઆને ‘પરાક્રમની પ્રસાદી’ના પ્રકાશક બનાવે છે, અને આ રીતે પોતાની કાર્યસફળતા વિષેની આશંકા અને અશ્રદ્ધાને ગુપ્ત રાખે છે. સર્જક જેમ સ્વકૃતિનો યે સમાલોચક બની શકે, તેમ તરત જ પછી નિષ્પક્ષપાતપણે ‘વનમાળી’ પોતાની અને કીલાભાઇની ભાષાંતરકૃતિનું ‘વસંત'માં અવલોકન કરે છે, ને બંનેના ગુણાવગુણ પારખે છે. તેથી ‘ગુજરાતી’ કોપાયમાન થાય છે, કૃષ્ણલાલ ગોવિંદરામ દેવાશ્રયીના ઉત્તેજનથી તે વિશેષ ઉશ્કેરાય છે, ‘વનમાળી’ની વિરુદ્ધ વિનયરહિત વાણી વાપરે છે, કેશવલાલભાઇની સખત ખબર લે છે, અને અનુવાદકને સમાલોચક થતો રોકે તેવા કૈં કૈં આક્ષેપો મૂકે છે. પણ આવી અપ્રિય ઘટનાઓને આટલેથી જ અટકાવવી જોઇએ ને ?

આમ અદીઠ રહેવામાં નિર્ભય અને નિખાલસ સમાલોચના નિમંત્રવાનોજ ભાષાંતરકર્તાનો હેતુ હતો; કૈંક અંશે સીધા પ્રહાર નહિ ઝીલવાનો, અથવા તો આત્મવિશ્વાસની ઊણપ સંતાડવાનો ય હોય. પણ લોકમત એ ન્યાયમંદિર નથી, ને તેથી