આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
સાહિત્યને ઓવારેથી
 


આજ કાલ કેશવલાલભાઈ વિરુદ્ધ કલ્પિત પાઠ અને મૂળ કૃતિ તરફ વફાદારીની ઊણપ વિષે કેટલાયે વિવિધ સૂર સંભળાય છે. પણ ધ્રુવસાહેબનું દૃષ્ટિબિંદુ સમજાય તો આ આક્ષેપ આપોઆપ દૂર થઈ જાય. કલ્પિત પાઠોમાંથી યે કેટલાયને ઘણી વખત નવાં સાધનોએ કે નવી હાથપ્રતોએ સાચા જ ઠરાવ્યા છે. પૂર્વાપર સંબંધ જોઈને કુશળતાથી રસગ્રાહી દૃષ્ટિએ પાઠ કલ્પીને, ખૂટતો અંકોડો મેળવી દેવો, એ રચનાત્મક કાર્ય પુષ્કળ પરિશ્રમવાળું છે. નવો પાઠ કલ્પો કે ના કલ્પો, પણ જૂના અયોગ્ય પાઠને કે ખૂટતા શબ્દોને એમને એમ તો કેમ રખાય ? અને બીજો આક્ષેપ છે મૂળ કર્તા તરફની વફાદારીનો ભંગ. મૂળમાંયે ન હોય તેવી વિશિષ્ટતાઓ, ન હોય તેવી ખૂબીઓ ભાષાંતરમાં લાવવી, ને કર્તાને મૂળ કૃતિમાં હોય તેથીયે વધુ દીપાવવો, તે કેટલાયે સાહિત્યપ્રિય સજ્જનોને અરુચિકર લાગતું હશે. પણ તેવાઓને જો ભાષાંતર માટે ધ્રુવસાહેબે સ્વીકારેલા સિદ્ધાંત સમજાય તો તેમનો અસંતોષ આપો આપ દૂર થઈ જાય.

ગત લેખમાં મેં જણાવ્યું છે તેમ તાદાત્મ્ય, રસસંક્રાંતિ અને પાઠશુદ્ધિની ત્રણ પાંદડીઓવાળાં બીલીપત્રથી જ કેશવલાલભાઈ તેમના આરાધ્ય દેવને ઉપાસે છે, ને તે રીતે ભાષાંતરને જીવંત તથા રસિક બનાવે છે. આજે વળી, ભાષાંતરવિષયક તેમના આદર્શો હજુ વધુ સ્ફુટ કરી તેમની સ્થિતિ સ્પષ્ટ કરી લેઉં.

ભાષાંતર કેવળ મૂળ કૃતિને અન્ય ભાષામાં ઉતારવાનું, અર્થાત મૂળ કૃતિનો વેશપલટો સાધવાનું જ કાર્ય નથી. મૂળ કર્તા જો ગુજરાતી જાણતા હોત તો જેવી કૃતિ તે રચત, તેવીજ કૃતિ ગુજરાતીમાં આપવાની આ ભાવિક ભાષાંતરકાર ઉમેદ રાખે છે એટલુંજ નહિ, પણ અનુભવ મળે, મહાવરો