આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
સાહિત્યને ઓવારેથી
 


વૃદ્ધ તેમજ તરુણોના–આદરપાત્ર છે, અને સ્નેહવશ થઈ તેઓ ‘પ્રેમાભાઈ હોલ’ના વ્યાસપીઠ ઉપરથી વૃદ્ધાવસ્થામાંયે જોરદાર વાણી વહેવરાવે છે. અમદાવાદમાં ભરાયેલા સાહિત્ય પરિષદ સંમેલનમાં મહાત્માજીના પ્રમુખપદ માટેની દરખાસ્ત મૂકીને તેમણે અમદાવાદની સાહિત્યરસિક જનતાનું પ્રતિનિધિત્વ સાચવ્યું હતું, પણ આવું સામુદાયિક કાર્ય તેઓ ભારે સંકોચ અને શરમથી જ કરતા લાગે છે. બહુધા તો તેમનું કાર્ય વૈયક્તિકને વિદ્વદ્‌ભોગ્ય છે; લોકભોગ્ય કે સામુદાયિક બહુજ થોડું. કેશવલાલભાઈ આમ બહુ બહુ કરવાના કોડ ધરાવે છે, અને ભૂતકાળમાં પણ તેમણે અનેકવિધ કર્યું. યુનિવર્સિટી તરફથી તેમણે આપેલાં ભાષાશાસ્ત્રવિષયક ભાષણો પણ એવી તો પ્રચંડ વિદ્વત્તાથી ભરપુર છે કે પૃથગ્‌ જન તો બિચારો પછાડ જ ખાય ! પણ આ બધામાં તેમનો દોષ કેમ કઢાય ? વિદ્વત્તા કે સાહિત્યસેવા એ કાંઈ કારખાનાનાં બીબાં ના બની શકે. નાનેરાઓને તેઓ સાથ આપે છે, પણ તેને સ્વાશ્રયી બનાવે તેવો. કોઈ સમર્થ ને અધ્યયનશીલ યુવક પણ તેમની વિદ્વતાનાં ઉત્તુંગ મોજાનાં પ્રહાર ખાઈ પાછો પડે, પણ તેમાં કોનો વાંક ? અર્ધી સદીનાં તપ કરી વિદ્યાદેવીનાં વર્ચસ્‌ નિરખનાર એ પરમભક્તને સમજવા તે કેટલું દુર્ઘટ કામ ? અને છેવટે તેમની ઉજ્જવળ ને અગાધ સાહિત્ય સેવા માટે તેમની જનસમાજને જણાતી મર્યાદાઓ તરફ ધ્યાન ન આપતાં સરસ્વતીના એ કોડીલા અને સેવાપરાયણ ભક્તને આપણે નમ્ર અને આદરભરી અનેકાનેક અંજલિઓ આપીએ ![૧]


  1. ❋ આ નવી આવૃત્તિમાં કેશવલાલભાઈના દુઃખદ અવસાનની સખેદ નોંધ લેવામાં આવે છે.–કર્તા