આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૬૭
 


બે પક્ષ પડ્યા હોય ત્યારે સબળ કે સ્વલ્પ બહુમતીથી જ કામ કરવું ઘણું કઠિન અને ક્લેશવર્ધક થઈ પડે છે. તેથી મતામતી પોષાય છે, અને રાગદ્વેષ વધી પડે છે. ગામડાના લોકો બંધારણીય કાનુનો ભાગ્યેજ સમજે છે, અને ભિન્ન મત માટે સહિષ્ણુતા પણ ક્વચિત્ જ દર્શાવી શકે છે; આ સ્થિતિનો સંગીન અનુભવ ધરાવતા અમીનસાહેબ એકમતથી જ જે શક્ય હોય તે કરે છે; અન્યથા તેને ભાવિ માટે મુલતવી રાખી પ્રચારકાર્ય અને પરિપક્વ સમયમાં શ્રદ્ધા ધરાવે છે. વસોની સહકારી બેંક, કેળવણીમંડળ કે પુસ્તકાલય સંસ્થાઓની સભામાં તેમણે એકમતે જ કુનેહથી કાર્ય કર્યું છે, અને તે રીતે ‘કજિયાનું મ્હોં કાળું’ કર્યું છે. આથી તેમણે વિરોધીઓને પોતાના કરી લીધા છે, ને પોતે સંગીન કાર્ય કરી શક્યા છે. આવા ઉત્તમ નિયમનું પાલન તેમના નક્કુર અનુભવમાંથી જ ઉદ્ભવ્યું છે. વિદ્યાર્થી સહાયક સહકારી મંડળી લિ. નું કે તે પહેલાંની પેટલાદ લોનફંડનું લેણું વસૂલ કરવામાં પણ તેઓ ભાગ્યે જ કોર્ટનું શરણું શોધે છે. તાણીને તૂટી જાય ત્યાર પહેલાં જ તેને છોડી દેવાની તેમનામાં કુનેહ અને કુશળતા છે. કોઈકને આમાં કદાચ કાયરતા કે નિર્બળતાની ઝાંખી થાય; પણ સહુની કાર્યપદ્ધતિ કાંઈ સરખી હોતી નથી. અને અમીનસાહેબની આ પદ્ધતિ પણ પ્રારંભદશામાં તો પ્રશંસાપાત્ર જ છે એમ નિઃશંક કહી શકાય.

આમ તેમની ઉદાત્ત માનવતાએ જ શ્રી. મોતીભાઈને જ અનેક સેવાકાર્યોની પ્રેરણા આપી છે, ને શિક્ષકવૃત્તિ આ માનવતાનો જ એક પ્રધાન અંશ છે, તેમનું હૃદયપટ ઉત્કૃષ્ટ માનવતાના વિશદ્ધ તારોથી–તાણાવાણાથી–વણાઈને તૈયાર થયું છે; અને તે મુખ્ય તારમાંથી ઉદ્ભવેલા કેટલાક સૂક્ષ્મ તાર આ પટને