આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૭૧
 


અનેક બાળકોએ 'ઈન્ડીપેન્ડન્ટ પેન’થી નોટમાં અંગ્રેજી શબ્દો લખ્યા હતા. શિક્ષકે અમીન સાહેબને તે બધા બતાવ્યા. બાળકોનો અભ્યાસ ને સફાઈ પ્રશંસાપાત્ર હતાં. પણ તે દરમ્યાન શ્રી. મોતીભાઈ અન્ય વસ્તુ જ વિચારી રહ્યા હતા. અનેક બાળકો પાસે આવી પેન જોઈ. એક બે બાળકોને તેમણે પૂછ્યું “પેન કોણે આપી?” કોઈએ કહ્યું: “સાહેબ, મારા ભાઈ પાસેથી મેળવી છે.” તો અન્ય કહે: “સાહેબ, મારા બાપે ખરીદી આપી છે.” અમીન સાહેબ હસતાં હસતાં કહે: “ઘેર રડીને, માબાપને પજવીને પેન મેળવી હશે ? હું જાણું તો…” “ના સાહેબ.” અને પછી આવી પેન રાખનાર બાળકની ગણતરી કરી તેની સારી સંખ્યા જણાઈ તરત જ તેઓ ગંભીર થયા, કારણ કે પરદેશી માલના મોહક અને વ્યાપક સ્વરૂપે તેમની સ્વદેશી ભાવનાને આ વખતે કારી ઘા કર્યો હતો.

હજી એક વિશેષ દૃષ્ટાંત આપું છું. ગોપાળદાસ બાગ આગળની ભાગોળેથી સાંજના અમે ફરવા જતા હતા; સાથે એક બે બીજા સ્નેહીઓ પણ હતા. વણસર ગામના કુંભારની કુઇનાં જાદુઈ અને ઇલમી પાણીની ત્યારે સર્વત્ર હાક વાગતી હતી. પચાસ ને સો સો માઈલના અંતરેથી પણ લોકો ગાડી, ખટારામાં કે ગાડામાં મુસાફરી કરીને, અથવા નજીક હોય તો પગપાળા જઇને વણસરનું આ પાણી લેઈ આવતા. સૌ કોઈ ગામડિયા ત્યારે વણસર તરફ ઉભરાતા; અને માટલુ દેગડું, ઘડો કે બરણી ભરીને એ જાદૂઈ પાણી લાવતા. લોકવાયકા હતી કે એ પાણીથી ગમે તે રોગ મટે છે. તેનો પરચો અને પ્રતાપ અતિશયોક્તિ ભેર વખણાતા. કહેવાતું કે કૂઈ આગળ કલેક્ટર સાહેબની મોટર પણ અટકી પડી, ને નાળિયેર વધેર્યું