આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૪
સાહિત્યને ઓવારેથી
 


આપ મદદ આપો છો, અને અમારા ગામને જ ટાળી મૂકશો ?” તે બિચારો ભૌગોલિક પ્રદેશના ભેદનું રહસ્ય બરાબર સમજ્યો ન્હોતો. નરી નિખાલસતાથી અમીનસાહેબે પ્રત્યુત્તર દીધા “જુઓ, કહેનારા કહી રહ્યા ! મંદિર માટે તો હું પાઇ ન આપું કે ન અપાવું; અને કૂવા માટે મારી શક્તિ નથી, મારી પાસે તેવાં નાણાં નથી. હું લાચાર છું. સમિતિને અરજી કરો તો તમારા ગામના કૂવા માટેની ભલામણ કરવા કે કરાવવા તજવીજ કરીશ.” નિરાશ વદને પેલા ગામડિયાએ ચાલતી પકડી. કેવી નિખાલસતા અને કેટલું મર્યાદાપાલન !

વિશેષમાં, નિર્મોહ કે નિરહંકાર પણ તેમનામાં અથાગ છે. અમલદાર તરીકે પોતાનાં પર્યટનોમાં કે બદલી અથવા નિવૃત્તિના પ્રસંગે પણ માનપાન લેવાનો, જલસાઓ સ્વીકારવાનો, કે હારતોરાથી વિભૂષિત થવાનો તેમણે હંમેશાં એક નિયમ તરીકે સંપૂર્ણ ને સફળ ઈનકાર જ કર્યો છે; તેમ જ કેવળ ખુશામત વૃત્તિથી અમલદારશાહીને પ્રસન્ન કરવા માટે તેમણે પોતે સમારંભો કે હારના પ્રસંગો ભાગ્યે જ ઉપસ્થિત કર્યા છે. આના સમર્થનમાં વળી એક વાત જણાવી લેઉં. એક વખત કોઈ આનંદની પળે તેઓ નિખાલસતાથી મને કહેવા લાગ્યા: “અને મારા જીવનની મોટામાં મોટી ઈચ્છા તો એ છે કે. . .” કંઈક મહત્વની વાત તેઓ જણાવે છે તેમ ધારી હું પણ સાવધ અને ગંભીર બન્યો, ને બોલ્યો: “શી સાહેબ ?” “મારા મરણ બાદ મારૂં કઈ પણ પ્રકારનું સ્મારક ઉભું ન થાય તે. વસોના આ મારા મિત્રો ને સ્નેહીઓ તેમ કર્યા વિના જંપશે નહિ તેવો મને ભય છે; જો કે હું તો મારી ઈચ્છા બર લાવવા બનતી તજવીજ કરૂં છું જ, પણ કોણ જાણે કેવીક મારી ઈચ્છા સિદ્ધ થશે ?”