આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અભિપ્રાયો
૨૮૧
 


“પ્રો. શાસ્ત્રીએ આ સંગ્રહમાં ગુજરાતના સાહિત્ય ને સંસ્કારસ્વામીઓનાં સરલ શબ્દચિત્રો આપ્યાં છે. ગુણદર્શન સાથે તે વ્યક્તિની ત્રુટિઓ અને દોષો દર્શાવવાની પ્રો. શાસ્ત્રીની રીત કટુતારહિત છે……લેખક પાસે વિશિષ્ટ શૈલી છે, અને એ જ શૈલીને લીધે તે કડવાં સત્યો મીઠી રીતે કહી દે છે.” (ફૂલછાબ)

“આ સંગ્રહમાં પ્રો. શાસ્ત્રીએ ગુજરાતી સાક્ષરોને અને તેમની સાહિત્યસેવાનો સમભાવપૂર્વક છતાં પ્રિયકર થાય તેવી સ્પષ્ટતાથી પરિચય કરાવ્યો છે……લેખકની ભાષા સંસ્કારી છતાં ક્લિષ્ટતાના દોષરહિત છે. એમની શૈલી લોકપ્રિય બને તેવી છે; અને જે વ્યક્તિઓનાં ચિત્રો તેમણે દોર્યાં છે, તેમાં સમભાવભરી રીતે એમના જીવનમાં તેજ–છાયાનું ચિત્રણ અભ્યાસકની પીંછીએ કર્યું છે. તેથી એમના નિબંધો ઉઠાવદાર છતાં ઐતિહાસિક પાયા ઉપર ઉભાં કરેલાં સ્મૃતિચિહ્ન સમા બન્યા છે.” (પ્રજામિત્ર–કેસરી)

“એમાં સમદ્રષ્ટિથી સમતુલા જાળવી અભ્યાસની દ્રષ્ટિએ સત્ય ચિત્રો અપાયાં છે. માત્ર ગુણપૂજા જ એમાં નથી, અવિવેક દોષો પણ બતાવાયા છે; અને આ સંસ્કારમૂર્તિઓની બધી બાજુની સરસ પિછાન અપાઈ છે. સાહિત્યના ઇતિહાસની દ્રષ્ટિએ, અભ્યાસની દ્રષ્ટિએ, વિવેચનકલાની દ્રષ્ટિએ, અને રેખાચિત્રોના આદર્શ નમૂનાઓની દ્રષ્ટિએ આ પુસ્તક ઘણું મહત્વનું છે, અને એનાથી આપણા સાહિત્યમાં એક સંગીન ઉમેરો થયો છે. અમે લેખકને તેમના ઊંડા અભ્યાસ, નિડરતા, સમભાવ અને તુલનાશક્તિ માટે ધન્યવાદ આપીએ છીએ.”(લોકવાણી)

“ ઝીણામાં ઝીણી નજરે અવલોકન કરવામાં દરેકની સત્ય હકીકત જરા પણ ગભરાયા વગર (લેખકે) રજુ કરી છે. વિદ્વાનોના સુઘટિત પરિચય આપણને આ સંગ્રહમાં મળે છે. (નવગુજરાત)