આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ
૧૩
 


પણ અભ્યાસ જારી રાખ્યો; ને તેથી સંસ્કૃતિ ઉપરાંત તેમનો ગુજરાતી ને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ પણ તલસ્પર્શી અને સ્તુતિપાત્ર છે. અંગ્રેજીના પ્રોફેસર તરીકે પણ તેમણે થોડા સમય કામ કર્યું છે. વિશેષમાં તેમનો લોજિક, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરેનો અભ્યાસ પણ તેટલો જ સૂક્ષ્મ અને સમૃદ્ધ છે. સમાજશાસ્ત્ર (Sociology) એ તત્ત્વજ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છે એમ માની તેમણે આ વિષયને પણ પોતાના અભ્યાસક્ષેત્રમાં સ્થાન આપ્યું છે. અને આ ઉપરાંત એલએલ. બી. ની ડીગ્રી વડે તેમણે કાયદાના વિષયોને પણ અપનાવી લીધા છે. ખરેખર સતત વિદ્યોપાસના અને સૂક્ષ્મ બુદ્ધિ શું શું નથી સાધી શકતી ?

આનંદશંકરભાઈની સાહિત્યકારકિર્દી સ્વo મણિલાલ દ્વિવેદીના ‘સુદર્શન’થી શરૂ થઈ તે બ્રહ્મનિષ્ટ સાક્ષરના અવસાન પછી તેમણે ‘સુદર્શન’ સંભાળ્યું; અને ‘સુદર્શન ગદ્યાવલી’ની પ્રસ્તાવના રૂપે સ્વo મણિલાલભાઈના જીવનની ટૂંકી રૂપરેખા પણ આપી. ‘સુદર્શન’ને આનંદશંકરભાઈએ કેટલાંક વર્ષ ચલાવ્યું; પણ તેઓ તેના ‘આદ્યદ્રષ્ટા’ ની માફક આર્ય ભાવનાના પ્રચારક (Missionary)ના બનતાં માત્ર પૂજક જ રહ્યા. તેમની આવી સ્વતંત્ર લેખનવૃત્તિ ‘સુદર્શન’ના વાચકોને મળી લાગવાથી અને ક્ષિતિજ ઉપર યુગ પરિવર્તનનાં ચિહ્ન દેખાવાથી નવા યુગને અનુરૂપ થવા તેમણે ‘વસન્ત’નો પ્રારંભ કર્યો. ત્યારે આજના જેવી ગાંધીયુગની સમગ્ર જીવનને આવરી લેતી આધ્યાત્મિકતા નહોતી. સનાતનીઓની સ્થિતિચુસ્તતા અને ‘સુધારાવાળાઓ’ ની તે વખતની ઝનૂની ખંડનાત્મક નીતિ: આ બંનેનું સુયોગ્ય સંમિશ્રણ કરી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનાં સુંદર તત્ત્વો બતાવવાં, જનતાને યોગ્ય પંથે વાળી ઉત્સાહના પૂરમાં ઉન્માર્ગે જતી અટકાવવી, આર્ય ધર્મને