આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સાહિત્યને ઓવારેથી
 


ઉજાળવો, સાહિત્યને સમૃદ્ધ કરવું, અને રાજકારણને રાષ્ટ્રભાવનાથી પ્રદીપ્ત રાખવું: આ બધું કરવાની ત્યારે જરૂર હતી. આવી ઉદાત્ત ભાવનાઓથી પ્રેરાઈ તેમણે ‘વસન્ત’ને વધામણાં દીધાં, અને તેને સમર્થ વિચારોનું વાહન બનાવ્યું. ‘વસન્ત’ના તંત્રીપદેથી તેમણે ધર્મ અને નીતિ ઉપર છૂટાછવાયા કેટલાયે સ્વતંત્ર લેખો લખ્યા; અને સાહિત્યના વિવેચન ઉપર પણ તેમણે પોતાની વિદ્વત્તાનો પ્રકાશ નાખ્યો. આ ધર્મ અને નીતિ ઉપરના લેખોનો સંગ્રહ તે તેમનો ‘આપણો ધર્મ’ નામે ગ્રંથ.

આનંદશંકરભાઈના હાથે સ્વતંત્ર પ્રકાશન પામેલું તેમનું આ એકનું એક ગુજરાતી પુસ્તક છે. તેની સુગમ શૈલી, તેનું વિચારગૌરવ અને તેના જ્ઞાનપૂર્ણ વિષયોને લીધે તે અભ્યાસશીલ વાચકને આનંદ આપે તેવું છે. ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાન ઉપર તેમણે કેટલાંક બીજાં પુસ્તકો પણ લખ્યાં છે. બાળક માટે લખાયેલાં ‘હિંદુધર્મની બાળપોથી’, ‘નીતિશિક્ષણ’ અને ‘ધર્મવર્ણન’ તથા મોટેરાઓ માટે લખાયેલાં ‘હિંદુ વેદધર્મ’ અને શ્રી રામાનુજાચાર્યના શ્રીભાષ્યના ભાષાંતરના બે ગ્રંથો: આ બધામાં તેમની ઉચ્ચ વિચારસરણી, અગાધ વિદ્વત્તા, અને જગતભરના સર્વ ધર્મોનો તુલનાત્મક અને તટસ્થ અભ્યાસ ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. બાળકો માટે લખાયેલાં પુસ્તકોમાં તો કઠિન અને ગહન વિચારો પણ તેમણે બહુજ સ્પષ્ટ, સરળ અને ચોક્કસ શબ્દોમાં જણાવ્યા છે; ને તેથી તેઓ આનંદશંકરભાઈની વિચક્ષણ શિક્ષણશક્તિની સાખ પૂરે છે. ટુંકમાં, આ બધા ધાર્મિક ગ્રંથોમાં અને સંસ્કૃત ‘ન્યાયપ્રવેશ’માં તેમની વિદ્વત્તા તેમણે બહુ જ સરળ સ્વરૂપે ને મનોરંજક રીતે વહેવરાવી છે.

અને સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમની ‘સ્મરણસંહિતા’ ઉપરની વિવેચનાત્મક નોંધ અને વસંતમાં ‘ગ્રંથાવલોકન’ ના