આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ
૧૫
 


મથાળા હેઠળ તેમના વિવેચનના લેખો પશ્ચિમના સમૃદ્ધ, વિવિધ અને વિશાળ સાહિત્યની દૃષ્ટિએ મૌલિક રીતે લખાયેલા હોઇને આપણા સાહિત્યમાં અનેરી ભાત પાડે છે.

આનંદશંકરભાઈને પુસ્તકો લખવા કરતાં વાંચવાનો અને તે વિચારવાનો વધારે શોખ છે; એટલું જ નહિ, પણ સાહિત્યની દૃષ્ટિએ કીમતી ગ્રંથો ખરીદીને તેમને પોતાના ખાનગી પુસ્તકાલયમાં સંગ્રહવાનો પણ તેટલો જ શોખ છે. તેમની લાયબ્રેરીમાં તેમના અભિમત વિષયો ઉપરનાં છેક તાજાં જ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો પણ મળી આવે, ને તેથી તે લાયબ્રેરી તેમના અભ્યાસી મિત્રોમાં સારી રીતે જાણીતી થયેલી છે. ખરેખર, આનંદશંકરભાઈએ વિત્ત અને વિદ્વત્તા વડે લક્ષ્મી અને સરસ્વતી ઉભયને પોતાનામાં ‘એકસંસ્થ’ (એક જ સ્થળે રહેતી) કરી છે. સોનું જેમ સુગંધથી વિશેષ વખણાય તેમ તેમની શ્રીમંતાઈને વિદ્વત્તા અન્યોન્યમાં યોગ્ય રીતે ભળી ખાસ આદર ને આકર્ષણનું પાત્ર બન્યાં છે.

આનંદશંકરભાઈ એટલે નાગર અને નાગરિક બંને. જન્મે ઉચ્ચ કુટુંબના નાગર એટલે કુલ તરફથી આર્ય સંસ્કૃતિ વારસામાં મળી; વિશેષમાં નાગરોએ વ્યક્તિત્વ સાચવી સાધેલાં સમયજ્ઞતા અને સમયાનુસારિતાનાં લક્ષણો પણ તેમનામાં છે. આનંદશંકરભાઈ એટલે કેવળ વિદ્વત્તાનો શુષ્ક ભાર નહિ, શાસ્ત્રીય વેદિયાપણું નહિ, કે હાંસીપાત્ર પંતુજીપણું નહિ; નાગરત્વની સંકુચિતતાને તેઓ નાગરિકતાથી વિશાળ બનાવે છે, અને વિદ્વત્તાના ભારને વિનોદભરેલી રસિકતાથી હળવો કરે છે. તેમની આ રસિકતાને લીધે તો ગુજરાત કોલેજમાં તેમનાં વિદ્વત્તાપૂર્ણ ભાષણો પણ નીરસ નીવડતાં નહિ.