આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
સાહિત્યને ઓવારેથી
 


ચશ્માંની દાંડી ઉપર આંગળી મૂકી અધ્યાપક ધ્રુવ જ્યારે ભાષણ આપતા હોય, ત્યારે તો વાણીનો અસ્ખલિત પ્રવાહ વહે, ને જ્ઞાનના ભંડાર ખૂલે. આ વિદ્વતા, આ રસિકતા અને આ સંસ્કારસંભારને લીધે તેમના એક અનુગામી સમર્થ વિદ્વાન કહે કે ‘आनंदशंकरगुरोश्चरणौ नमामि’ તો તેમાં શું આશ્ચર્ય !

આ બધા ગુણોને લીધે તેઓ વ્યવહારદક્ષ, તથા કાર્યકુશળ પણ મનાયા છે. મહાત્માજીને અને તેમને તો ‘આશક માશુકનો સંબંધ’ છે. મજુરોના લવાદ–મંડળ વખતે આનંદશંકરભાઈ પણ હતા, અને તે વખતે મહાત્માજીને તેમની વિશેષ કિંમત સમજાઈ. અને પછી થોડા જ વખતમાં ઈ. સ. ૧૯૧૯ની આખરમાં ગાંધીજીએ આ ‘અણમોલ રત્ન’ ની પંડિત માલવિયાજીને ભેટ કરી. ગુજરાત કોલેજમાંથી પ્રો. ધ્રુવની વિદાયગીરીના માનમાં કરેલો એ ભવ્ય મેળાવડો; પ્રિન્સિપાલ રોબર્ટસનની હાજરી, મહાત્માજીનું પ્રમુખપદ, સંભાવિત ગૃહસ્થોનું આગમન, અને વિષાદભર્યા હૃદયે માનભરી વિદાય દેતો વિદ્યાર્થીગણ: આ પ્રસંગ ‘નવજીવન’ ના પાને સચવાયો છે, તેમ જ ગુજરાત કોલેજના ઇતિહાસમાં પણ અમર થયો છે.

અને તેમની કાર્યકુશળતા માટે વિશેષ કાંઈક હું જણાવી લઉં. ગુજરાત કોલેજની તેમની નોકરી દરમ્યાન ધ્રુવ સાહેબને યુરોપિયન પ્રિન્સિપાલ અને યુરોપિયન પ્રોફેસર સાથે સંસર્ગમાં આવવું પડતું; છતાં તેમની ખુશામત કર્યા વિના સ્વમાન સાચવી પોતાની લાક્ષણિક વ્યવહારકુશળતાથી તેઓ બધાનાં મન જીતી લેતા. આવા બાહોશ નર ગુજરાત કોલેજના પણ એક વખત એક્ટિંગ પ્રિન્સિપાલ બન્યા હતા, તે આ જ વિશિષ્ટ વ્યક્તિત્વને લીધે. બનારસ હિંદુ યુનિવર્સિટીની કોલેજના પ્રિન્સિપાલ તરીકે