આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ
૨૧
 


નિઃસ્વાર્થ સેવાઓ ગુજરાતને ચરણે ધરવાનો પ્રસંગ ક્યારે આવશે ? ‘પોસ્ટ–ગ્રેજ્યુએટ્સ સ્ટડીઝ’ ની યોજના અમલમાં મૂકવાની, કે ‘ડેક્કન ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ’ જેવી ગુજરાતમાં એક વિશાળ સંસ્થા સ્થાપી તેના સંચાલક બનવાની, અથવા તો ‘ગુજરાતી યુનિવર્સિટી’ નાં સ્વપ્ન સફળ કરવાની તરુણ ગુજરાતની મહેચ્છા આચાર્ય ધ્રુવ ક્યારે સિદ્ધ કરશે ? તેઓ ધારે તો સરકાર, દેશી રાજ્યો ને શ્રીમંતવર્ગનો નાણાં માટે સારો સહકાર મેળવી આ બધું ગુજરાતની ભૂમિમાં ઉગાડી શકે. પણ એ દિન ક્યારે આવશે ? સાબરમતી તીરને ગંગાકાંઠડો માની ગુજરાતની કેળવણી ને સાહિત્યની સમગ્ર શક્તિઓથી નિષ્કામ સેવા કરવા તેઓ ક્યારે તૈયાર થશે ? ‘ગુજરાત સંશોધન મંડળ’ અને ‘અમદાવાદ એજ્યુકેશન સોસાયટી’ માં તેમણે જે સેવાનો આરંભ કર્યો છે, તે આ ઉજમાળી આશાનું એક ગૌરવભર્યું પ્રકરણું બનો !

પંડિત માલવિયાજી પાસેથી અંતે તેઓ મુક્ત થઈ શક્યા ખરા ! જો ગુજરાતની સેવા કરવાનો તેમને હવે દૃઢ સંકલ્પ હોય તો પછી તેમના દૃઢ મનને નીચાણમાં વહેતા જળપ્રવાહની માફક રોકવાને કોની હિંમત ચાલે ? દૃઢ સંકલ્પ એ માર્ગમાં આવતાં સર્વ સંકટોને દૂર કરે છે જ. ગુજરાતનું આ ઝળહળતું રત્ન તેની માતૃભૂમિને તેના અંબારભર્યાં તેજથી ખૂબ ઉજાળે ! ગુજરાતને આ સંક્રાન્તિયુગમાં આવા પાણીદાર રત્નની સેવા ગુમાવવી તે ના પરવડી શકે.

અને વૃદ્ધની શિથિલ મંદ ગતિએ ડગલાં ભરતું તેમનું ‘વસંત’. તેની નિયમિત અનિયમિતતાથી તો ગુજરાતી વાચક વર્ગ ટેવાઈ ગયેલો છે. ‘નવયુગને અનુકૂળ થવાને’ તે અસ્તિત્વમાં