આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સાહિત્યને ઓવારેથી
 


કાવ્યપ્રકાશના કર્તા મમ્મટ પણ ભાખે છે કે કવિતા એટલે શબ્દ અને અર્થ બંને. કવિ ન્હાનાલાલનાં કેટલાંક જ્ઞાનપૂર્ણ સૂત્રો, તેમના આદર્શભરેલા બોધ, અને તેમની રસિક વિચારશ્રેણી હરકોઈને તેમને માટે માન ઉપજાવે તેવાં છે. તેમની કવિતાને કલ્પનાની પાંખ સાથે અલંકારોની સુંદરતા પણ છે. તેમાં સાન્દય શીલથી શોભે છે, સ્વચ્છન્દતાથી નહિ; યૌવન સંયમથી ઊજળું બને છે, ઉચ્છ્રંખલતાથી નહિ; શૃંગાર રસસમાધિથી શુચિ બને છે, વિષયવાસનાથી નહિ. ક્યાંયે અનાર્યતાનું સમર્થન, અનીતિના અંતિમ વિજયઘોષ કે અસુરોનું સામ્રાજ્ય નહિ હોય; જ્યાં ત્યાં ઈશ્વરી સત્તાનો સ્વીકાર, જગતપિતાના પેગામનું પાલન ને પ્રેમ–છલોછલ ભક્તિ જ ઝળહળે છે. જાણે કે પૃથ્વી ઉપર રહીને દેવોના દિવ્યધામમાં વાચક વિચરતો હોયની !

અને આ બધામાં તેમનું આત્મલક્ષિત્વ જ નથી જણાતું ? ઘણાંયે ધર્મોનો ને સંપ્રદાયોનો કવિએ નિખાલસ હૃદયથી અભ્યાસ કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો તેમને પિતૃકુળ તરફથી વારસામાં મળ્યો છે. કાળબળે પ્રાર્થનાસમાજે પણ તેમના હૃદયને આવરી લીધું, અને પછી તો કવિએ આર્યસમાજ, સનાતનધર્મ, પુષ્ટિસંપ્રદાય, જૈન, ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો પણ પરિચય સાધ્યો. ને તેથી જ તેઓ આજે બધા ધર્મોની યોગ્ય કદર કરી તેમાંથી સર્વસામાન્ય નિષ્કર્ષ શોધે છે. કવિ તો હાલ કહે છે કે ‘I have outgrown all cults’ (હું સર્વ સંપ્રદાયોથી પર છું). અને ખરેખર આવી વિશાળ ભાવના વિના ‘અકબરશાહ’માં સર્વસમન્વય અને વિશ્વકલ્યાણના આદર્શો તેઓ વ્યક્ત કરી શકે ખરા ? તેમનાં ‘બાદશાહનામા’ નાં ‘અકબરશાહ’ ને ‘જહાંગીર–નૂરજહાં’ જુઓ એટલે તમારી નજર આગળ હિન્દુ–મુસ્લીમ,