આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સાહિત્યને ઓવારેથી
 


માત્રામેળ છંદનું તત્ત્વ આવે. છતાં તેમની છંદોબદ્ધતા ભાવવાહી છે. તેમની ‘સંઘમિત્રા’ આનો નિર્ણય કરવામાં આપણને વધુ મદદગાર થાય છે.

ગદ્યક્ષેત્રમાં પણ કવિની કલમે કીમતી ફાળો આપ્યો છે. પછી ભલેને તે ‘ઉષા’ની નવલકથા હોય કે સરસ્વતીચંદ્ર વિષેની કાદંબરી–કથા હોય, સાહિત્યમંથન હોય કે સંસારમંથન હોય, કવીશ્વર દલપતરામની જીવનકથા હોય કે ‘સોરઠી તવારીખના થર’ ની પુસ્તિકા હોય; સર્વત્ર કવિની પદ્ધતિ તે વ્યક્તિગત રીતે જ વિશિષ્ટ છે. યુગબળોની ઓળખ, ઐતિહાસિક દૃષ્ટિ, મૌલિક ચિંતન, વિપુલ સાધનસામગ્રી, ઊર્મિલ ઉલ્લાસ અને કમનીય પદાવલી તેમના ગદ્યનાં એ સામાન્ય લક્ષણો છે. તેમાં ગુણગ્રાહિતા ને સહાનુભૂતિ છે તથા ઉદાર દૃષ્ટિ ને અનુભવબોલ છે. પણ ક્વચિત્‌ કોઈ ઉત્તુંગ કલ્પના, પ્રમાણ–ઔચિત્યની ઉણપ કે કેવળ અતિશયોક્તિ તેમના લક્ષ્યને ચૂકાવે છે, અને સત્યને ઢાંકી દે છે. એક રીતે તો તેમનું ગદ્ય પણ નિર્બંધ કાવ્ય જ બની પદ્ય સાથે સ્પર્ધા કરતું લાગે છે. યમક, વ્યુત્ક્રમ, સમતલ વાક્યખંડો અને નવીન શબ્દપ્રયોગો કવિના ગદ્યને યે અનન્ય ને અનનુકરણીય જ રાખે છે. કવિની શૈલી ગદ્યમાં કે પદ્યમાં જેમ વિલક્ષણ છે, તેમ તેમનું દર્શન (vision) પણ મૌલિક અને લાક્ષણિક છે. એ દર્શનમાં વિવિધતા ને નૂતનતા છે; તેમજ ગહનતા અને વિસ્તાર પણ છે. સંક્ષેપમાં, કવિને જેટલી સત્ત્વશાલી સાહિત્યધનની પરખ છે, તેટલી જ તેમને સાચા કવિત્વની કદર છે; અને તેથીયે વધુ તેમને સાહિત્યસેવાની તમન્ના છે.

અને હવે કવિની ભાષા માટે પણ બે બોલ કહી દઉં. ઉપર જણાવ્યું તેમ તે લલિત, સુંદર ને મનોહર છે; છતાં કહેવું