આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રી. કનૈયાલાલ મુનશી

સિનેમાની ફિલમનાં દૃશ્યોની જેમ રેખાચિત્રોની વેગવંતી હારમાળા આપનાર શ્રી. ચંદ્રશંકર પંડ્યાએ જ્યારે પોતાના મનશ્ચક્ષુથી તેમના ગાઢ મિત્ર અને તેમને મન ‘Superman’ સરીખા લાગતા શ્રી. કનુ મુનશીના જીવનના મેઘધનુષ્યના જેવા વિવિધ રંગો નિહાળ્યા, અને ‘વીસમી સદી’ની પ્રયોગશાળામાં જ્યારે તેમના જીવનનું વિવિધ ને નિરનિરાળું પૃથક્કરણ કરી બતાવ્યું, ત્યારે તો મને પણ મુનશીજીવન સંબંધી અવનવા વિચારો સ્ફુર્યા. પણ પછી ધીમે ધીમે મુનશીના જાહેર પ્રશંસકોમાં એટલી ભરતી થઈ કે તેમણે મારા હૃદયદ્વાર સુધી આવી ખૂબ કોલાહલ કરી મૂક્યો. મને પણ લાગ્યું કે આ પ્રશંસાકાર્યમાં જો હું પાછળ રહી જઈશ તો મુનશીને કદાચ તેમના જ કહેવાતા પ્રશંસકોના હાથે અન્યાય થઈ બેસશે; ને તેથી જ આમ અમદાવાદના કેટલાક જીવંત મહાજનોનું સ્વાગત મુલતવી રાખી શ્રી. મુનશીને આજે અહીં સમયોચિત અને સુયોગ્ય સત્કાર આપવાની મેં હિંમત કરી છે.

અભ્યાસકાળ દરમિયાન વડોદરાની કોલેજમાં પ્રો. અરવિંદ ઘોષની પ્રેરક જ્ઞાનગંગાનાં પાન કરનાર, ગોવર્ધનરામના અભિનવ સાહિત્યયુગનો પરિચય સાધનાર, ઊગતી જુવાનીમાં ડો. એનિ બિસેન્ટની ‘હોમરૂલ’ની પ્રવૃત્તિને ઝીલનાર અને વર્ષો પછી કેમે કરી ગાંધી–યુગની અહિંસાને સત્કારનાર મુનશીએ કેટલા ટૂંક સમયમાં જ તેમના અનેરા ચળકાટથી જનતાને આકર્ષી લીધી