આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સાહિત્યને ઓવારેથી
 


‘જ્યોતિર્ધરો’ સાખ પૂરે છે. ને એ જ આધ્યાત્મિક તેજથી રંગાઈ કે અંજાઈ તેમણે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. મુનશી એ પ્રથમ ગુજરાતી, ને પછી હિન્દી. ખ્વાબને માણનાર, ગુજરાતના–પાટણના–લાટના–ભૃગુકચ્છના ગૌરવની યશોગાથાઓ રચનાર આ ગ્રંથકારે પોતાની વાણીને વર્તનમાં ઉતારવા માતૃભૂમિને ચરણે પોતાની સર્વ શક્તિઓ સમર્પી, ધારાસભાનું સભ્યપદ તજી દીધું. વકીલાતને પણ વેગળી મૂકી, અને રાષ્ટ્રસેવાની દિશામાં ગૌરવભરી ભાત પાડી.

મુનશીને કેટલાક સાહિત્યચોર માને છે, અને ‘કૌમુદી’માં તેના પુરાવા પણ અપાયા. યુરોપના સાહિત્યઋણ વિષે જો મુનશીએ પોતે નિખાલસતાભર્યો ખુલાસો બહાર પાડ્યો હોત તો સાહિત્યનો આમવર્ગ કેટલાયે તર્ક–વિતર્કને વિતંડાવાદમાંથી બચી જાત. એ સાહિત્યઋણનો સ્વીકાર કર્યા છતાંયે મુનશીની પ્રભાવંતી પ્રતિભાની ગુજરાત જરૂર કદર કરી હોત. પણ મુનશીના સ્વભાવમાં આવી નિખાલસતા હશે ખરી ?

મુનશીની સર્વ નવલકથાઓમાં ‘પ્રતાપ’ ‘ડારે તેવી, દઝાડે તેવી નિશ્ચલતા’ ‘સખત બીડાયલા હોઠ’ એવું એવું તો કેટલું યે સામાન્ય જ હોય છે. અને તેમની લેખનપદ્ધતિ ને શૈલી પણ હવે એટલી તો રૂઢ બની ગઈ છે કે ‘કૌમુદી’ના અંકમાં એક વાર કોઈએક લેખકે તેમની ઢબે જ ‘ભગવાન કોટિલ્ય’નું આગળથી જ અનુસંધાનમાં એક પ્રકરણ લખી આપ્યું; ને ‘મુનશીજી, નવીન આપો, નહિ તો પિષ્ટપેષણ તો તમ જેવા નવીનતા ને વિવિધતાના ઉપાસકને શોભે નહિ’ તેમ સુચવીને મુનશીની એ નવલકથા તેમની જ પદ્ધતિએ પૂરી લખી આપવાની તેણે અનુજ્ઞા માગી હતી.