આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સાહિત્યને ઓવારેથી
 


કર્તાની સ્વાધ્યાયવૃત્તિ ને વિશિષ્ટ વિદ્વત્તા સિદ્ધ કરે છે. ઈતિહાસ, વિવેચન અને સર્જનના ત્રિવેણી સંગમ સમા આ ગ્રંથ ઉપર હવે આપણે આવીએ.

તેનો પૂર્વાર્ધ જેટલો સરસ અને સુંદર છે, સદ્‌ભાવ અને સહાનુભૂતિ–ભર્યો છે, તેટલો જ જો ઉત્તરાર્ધ હોત તો ? ઉત્તરાર્ધમાં પૂર્વાર્ધની સાધનવિપુલતા ભલે અસંભવિત હોય, પણ સ્વાધ્યાય તેને વધુ ગહન તો બનાવી જ શકે. પૂર્વાર્ધનાં અભ્યાસ, અવલોકન, ચિંતન ને તુલના ઉત્તરાર્ધમાં તેટલા ને તેવા પ્રમાણમાં નથી દેખાતાં; પૂર્વાર્ધમાં જે ધીર સમાલોચના ને ન્યાયદ્રષ્ટિ વિલસે છે, તે ઉત્તરાર્ધમાં ઓસરતી જણાય છે. ઉલ્લેખો, અવતરણો, વિગત ને વિચારણાઓથી ઉભરાતો આ ગ્રંથ તેની સરળ, વેગવંતી, ને મધુર તથા મનોહર શૈલીને લીધે શાસ્ત્રીય વિષયની શુષ્કતા તજી એક આહ્‌લાદક સાહિત્યકૃતિ જ બની જાય છે. ગ્રંથમાં કવચિત્‌ ક્ષતિઓ ને સ્ખલનો યે છે, પણ તે તો મહાસાગરમાં બિંદુ જેવાં લાગે છે. પૂર્વાર્ધમાં જો ગહનતા છે, તો ઉત્તરાર્ધમાં વિસ્તાર અને વિવિધતા છે, સમગ્ર ગ્રંથમાં વક્તવ્ય લક્ષ્યવેધી છે, શૈલી મનોહર છે, વિષય સુસંકલિત છે, ને ભાષા ભભકભરી છે. જેલના એકાંતવાસમાં ને થોડાશા સમયમાં લખાયેલો આ ગ્રંથ જો થોડીક વધુ નિવૃત્તિમાં રચાયો હોત તો ઉત્તરાર્ધમાં આટલી ઉતાવળ ન આવી હોત, અને આખુંયે પુસ્તક જ્વલંત રત્ન સમાન દીપત. આજ સુધી ગુજરાતની સાહિત્યપ્રિય જનતા શ્રી. મુનશીની ગુજરાતી ભાષાની રોચકતા ને મનોહરતાથી મુગ્ધ થતી; આ ગ્રંથ પરત્વે સમગ્ર દેશનો અંગ્રેજી ભાષા જાણતો વાચકવર્ગ તેમની અંગ્રેજી ભાષાથી તેટલો જ આશ્ચર્યવશ બનશે. અંગ્રેજી ઉપરનું યે શ્રી. મુનશીનું પ્રભુત્વ