આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
સાહિત્યને ઓવારેથી
 


અનુકૂળ અભિપ્રાય તેમણે કહી બતાવ્યો. દી. બ. નર્મદાશંકરભાઈને પછી કંઈક બોલવા માટે વિનંતિ થઈ. આ આખી યે ચર્ચાને તેમણે રમુજી શૈલીથી અવનવું સ્વરૂપ આપી શ્રોતાજનને ખૂબ હસાવ્યા. આ રહ્યો તેમના શબ્દનો સાર:–“રા. ચંદ્રશંકરને બનારસ વિદ્યાપીઠના ‘વાઈસચેન્સેલર’ના હાથે કવિની પદવી મળી છે, તો આ પદવીદાન સમારંભ પ્રસંગે તેમને મારાં અભિનંદન.” ‘દ્વિરેફ’ પણ ત્યાં હાજર હતા, તેમણે સ્વૈરવિહાર ન કર્યો, નહિ તો વળી આથી યે વિશેષ આનંદ આવત.

બીજા એક પ્રસંગ સાથે મારો છેક પ્રત્યક્ષ સંબંધ નથી; પણ જાણું છું એટલે જણાવી લેઉં. દેશી રાજ્યના કેળવણી ખાતાના એક વડા તેમના મિત્ર હતા. દેશી રાજ્યમાં દીવાનો આવે ને જાય, રાજકીય પક્ષો સ્થપાય ને તૂટે. જૂદા જૂદા ખાતાના અધિકારીઓને આવી ઉથલપાથલમાં બહુ સાંખવું પડેલું. પણ કેળવણીખાતાના ખટપટવિહીન, સ્થિતપ્રજ્ઞ સરખા આ મિત્રને તેમની નિર્દોષ ને પ્રમાણિક નીતિથી ઊની આંચ પણ નહોતી આવી. બંને મિત્રો મળતાં નર્મદાશંકરભાઈ આવું કૈંક બોલ્યા:– “ભાઈ, તમે તો બહુ જબરા. ઈંદ્ર ફરે, પણ ઈંદ્રાણી તો તેની તે જ.” બધું વક્તવ્ય સમાવી દેનાર આ વાક્ય કેટલું રસિક ને વ્યંજક છે !

હવે તેમની વિશિષ્ટ સાહિત્યસેવાઓ ઉપર આપણે આવીએ. સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત ઈનામ નિમિતે ઇંગ્રેજીમાં લખાયેલા ‘વેદાન્તસિદ્ધાન્તભેદ’ અને ‘અદ્વૈતબ્રહ્મસિદ્ધિ’ નામના ગ્રંથો તેમની તે વખતની ઊગતી વિદ્વત્તાને ઝેબ આપે તેવા છે. ‘હિંદુપ્રજનન શાસ્ત્ર’ તથા ‘વેદાન્ત ઉપર બૌદ્ધ ધર્મની અસર’ એ ઉપર ઇંગ્રેજીમાં લખેલા નિબંધોમાં તેમણે ઘણા ગહન ને પ્રેરક વિચારો,