આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સાહિત્યને ઓવારેથી
 


‘અખાકૃત કાવ્યો’ નામના પુસ્તકને તેમણે સંશોધન કરી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી છપાવ્યું છે. આ પુસ્તકમાં પ્રસ્તાવના દ્વારા તેમણે અખાના વખતની સામાજિક ને રાજકીય સ્થિતિનો ખ્યાલ આપી તેના જીવનપ્રસંગો, જીવનકાળ, તત્ત્વજ્ઞાન વગેરે ઉપર અભ્યાસપૂર્ણ માહિતી આપી ગુર્જર વાચકોને ઉપકૃત કર્યા છે. તેથી એ વિશેષ તો તેમણે ‘અખેગીતા’નાં કડવાનું પૃથક્કરણ કરી તેમનું રહસ્ય સમજાવ્યું છે, ને વેદાન્ત, ઇતર દર્શનો, જૈનધર્મ અને બૌદ્ધધર્મના સિદ્ધાંતોનો તુલનાત્મક દૃષ્ટિએ ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં પાછળ ટૂંકી નોંધ આપી તેમણે પુસ્તકની ઉપયોગિતામાં ખાસ ઉમેરો કર્યો છે.

હવે આપણે તેમના ત્રણ કીમતી ગ્રંથો ઉપર આવીએ. ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ–પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ,’ ‘ઉપનિષદવિચારણા’ ને ‘શાક્ત સંપ્રદાય,’ આ ગ્રંથત્રયી જો તેમણે ના આપી હોત તો તેમની વિદ્વત્તા બહુ સફળ ને ગૌરવવંતી ન બનત. આ ઉપયોગી ગ્રંથોની સવિસ્તર સમાલોચના આવા લઘુ લેખમાં શક્ય નહિ હોવાથી તેમનું સ્વલ્પ વિવેચન કરીને જ હું વિરમીશ.

‘स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम्’ । એ આદેશને અનુસરીને તેઓ ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ’ લખવા પ્રેરાયા. પુરોગામી તત્ત્વજ્ઞ લેખકનું ઋણ સ્વીકારી તેમણે પોતાનું દૃષ્ટિબિંદુ પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ કર્યું છે. ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ’ તેમની તુલનાત્મક, ઐતિહાસિક ને સંશોધક દૃષ્ટિને સાંકળ નહિ, પણ અનેક નાની મોટી નદીઓના પ્રવાહોથી મિશ્રિત થઇ સમૃદ્ધ બનતા ગંગાપ્રવાહ સરખો જણાયો, ને પશ્ચિમના તત્ત્વજ્ઞાનનો પ્રવાહ લુપ્ત–અલુપ્ત રીતે વહેતી સરસ્વતીના