આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદિવચન

જ્યારે પ્રોફેસરોના વર્ગમાંથી કોઈ સાહિત્યકૃતિ સર્જ છે ત્યારે મને બહુજ હર્ષ થાય છે. પ્રોફેસરો અને શિક્ષકો એ આપણા સંસ્કારરક્ષકો અને સંસ્કારપ્રેરક નેતાઓ. જ્ઞાનનો પ્રચાર, જ્ઞાનની સાચવણી, જ્ઞાનની દોરવણી તેમના હાથમાં છે. કોલેજના ક્ષેત્રમાં જ તે સમાઈ ન રહે તો કોલેજ બહારની વિશાળ જનતાને પણ તેમના સઘન જ્ઞાનમાં ભાગ મળે. અને કોલેજ બહારની જનતાને પણ તેમની પાસેથી કેટલું બધું શીખવાનું છે ? ‘સાહિત્યને ઓવારેથી’ આપણે દૃષ્ટિ ફેંકીએ છીએ તો એ પ્રશ્નનો ઉત્તર સહજ મળે એમ છે.

પોણાત્રણસો પાનાની આ અભ્યાસપૂર્ણ કૃતિમાં વર્તમાન ગુજરાતના સંસ્કાર ને સંસ્કારસ્વામીઓનું પ્રો. શંકરલાલ શાસ્ત્રીએ આપણને સુંદર અને સચોટ દર્શન કરાવ્યું છે. એ દર્શન માટે ઊભી કરેલી મૂર્તિઓની પાછળ રહેલી પશ્ચાદ્‌ ભૂમિ, તેમના પ્રકાશ અને પ્રકાશ–વિસ્તાર, તથા સાથે સાથે તેમના પડછાયા પણ દોરી સર્વને ગમે એવાં અને છતાં મ્હોટે ભાગે સાચાં જીવંત ચિત્રોનું એક સરસ સંગ્રહસ્થાન તેમણે ગુજરાતી જનતા માટે રચ્યું છે.

નરસિંહ મહેતાથી માંડી આજ સુધીના સંસ્કારનેતાઓ એ સંગ્રહસ્થાનમાં આવી જશે એમ આપણને લાગે છે. અને વ્યક્તિઓનાં ચિત્રચરિત્ર-દર્શનની સાથે ગુર્જર સંસ્કારની આખી પીઠિકાનું દર્શન થાય એવી યોજના તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.