આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સાહિત્યને ઓવારેથી
 


સમજાવવામાં સફળ નીવડ્યો છે. તેમાં તેમણે જ્ઞાન, કર્મ ને ભક્તિનો સમન્વય કર્યો છે; અને જુદા જુદા મતોને તથા દર્શનોને સમજાવ્યાં છે; એટલું જ નહિ, પણ ભારતીય ને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનું સાધર્મ્ય–વૈધર્મ્ય બતાવી આપ્યું છે. અંતમાં આપેલા સંદર્ભગ્રંથોની યાદી (Bibliography) તેમના વિશાળ વાચન ને ગહન વિદ્વત્તાની સાખ પૂરે છે.

‘ઉપનિષદ-વિચારણા’ ગુજરાતી પ્રજામાં ઉપનિષદોના અભ્યાસની વિશેષ અભિરુચિ ઉત્પન્ન થાય એવા હેતુથી લખાયેલો ગ્રંથ છે. જગતભરના સાહિત્યમાં ભારતવર્ષના જે ઉપનિષદ્ સાહિત્યમાં અપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેમાંથી પ્રાચીન ને અર્વાચીન પદ્ધતિએ જાણવા યોગ્ય હોય તે સર્વ એકત્ર કરી વાચક સમક્ષ રજુ કરવાની લેખકની નેમ છે. મૌલિક ગ્રંથોનો અભ્યાસ કરી તેમણે ઉપનિષદોનો ઐતિહાસિક રીતે વેદ, દર્શનાદિ સાથેનો સંબંધ સમજાવી, તે વખતની સામાજિક સ્થિતિનો પણ ચિતાર આપ્યો છે. વળી યુરોપ અમેરિકામાં ઉપનિષદ્‌ સાહિત્યની અસર વર્ણવી તેમણે ઉપનિષદના તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની તુલના કરી છે. વિશેષમાં, આ સાહિત્યના પ્રધાન પ્રવર્તકો, મુખ્ય રહસ્યમય સિદ્ધાંતો તથા કાળનિર્ણય જેવા પ્રશ્નોને પણ છેડી પુસ્તકને તેમણે વધુ કીમતી બનાવ્યું છે.

શક્તિ સંપ્રદાયના સંસ્કાર પણ તત્ત્વજ્ઞાનની જેમ માતામહ પાસેથી જ તેમને મળ્યા હતા, ને તે વર્ષો પછી વિકાસ પામી ‘શાક્ત સંપ્રદાય’ નામે પુસ્તકમાં પરિણમ્યા. બૌદ્ધધર્મનો ને તંત્ર શાસ્ત્રનો વિશેષ અભ્યાસ કર્યા પછી આ પુસ્તક લખવાની પણ તેમને ઈચ્છા થઈ. વેદાન્ત ને શાક્ત સંપ્રદાય બંનેની દૃષ્ટિ મતાંધ હોઈ ભૂલભરેલી છે; ને તે બંનેનો સમન્વય કરતાં નહિ