આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. રામનારાયણ વિ. પાઠક
૬૯
 


તરીકે પ્રકાશતા. સાહિત્યપરિષદે અને ગુજરાત સાહિત્યસભાએ પણ તેમનું સાહિત્યવર્ચસ્‌ પિછાણ્યું; અને તે તેજ મુંબઈયુનિવર્સિટીને પણ પરીક્ષપદ માટે સ્વીકાર્ય થઈ પડ્યું. રામનારાયણભાઈ પુસ્તકાલય પ્રવત્તિના પણ તેટલા શોખીન; ને તેનાં કલ્યાણકારી તત્ત્વ તેમણે સોજીત્રાના પુસ્તકાલય સંમેલન વખતે જાહેર કર્યાં. આ બધી વિવિધ પ્રવૃત્તિઓને લીધે જનતાએ તેમને નડિઆદની સાહિત્યપરિષદ્‌ વખતે સાહિત્યવિભાગના પ્રમુખપદથી નવાજ્યા. અન્ય સાહિત્યવીરો જ્યારે વિદેશીય કે અવનવા ને ઝળહળતા દેશી પોષાકમાં સજ્જ થઈ સાહિત્યમંડપને દીપાવે, ત્યારે પણ પ્રમુખપદને વરેલા પાઠક તો સાદા ખાદીના પોષાકથી ત્યાં પોતાને નિરભિમાન વ્યક્તિત્વની નિરાળી ભાત પાડતા. કેટલાય જૂના યુવાન વિદ્યાર્થીઓની સાથે તેઓ ઘડીકમાં સસ્મિત મીઠો વાર્તાલાપ કરતા હોય, તો ઘડીકમાં તેઓ સાહિત્યની ઉમરાવશાહીના વાતાવરણમાં ફરતા હોય. સાહિત્યના આમવર્ગ અને ઉમરાવવર્ગના સેતુ જેવા અધ્યાપક પાઠક ત્યારે કેટકેટલાયનું હૃદય પારખતા અને મન સમજતા.

સાહિત્યવિભાગના સંમેલન વખતે શ્રી. પાઠકની લોકપ્રિયતા સહેજે જણાઈ આવી. ઇતિહાસ અને વિજ્ઞાનવિભાગના કરતાં સાહિત્યવિભાગમાં વધુ શ્રોતાઓ હતા; અને તે વિભાગની લોકશાહીનું (Democracy) તો પૂછવું જ શું ? દરેકને પોતાની દરખાસ્ત કે સુધારો મૂકવાની ને તે ઉપર ચર્ચા કરવાની સંપૂર્ણ તક મળતી; અને દરેકનું રામનારાયણભાઈ ધ્યાનપૂર્વક સાંભળી ઠરાવનું ચોક્કસ અને સર્વને સંતોષકારક સ્વરૂપ ઘડી કાઢી કામ આગળ ચલાવતા. પરિષદ્‌નો યુવકવર્ગ તો તેમને જ વધુ સન્માનતો. પણ આ બધાં સચિકર તત્ત્વો વચ્ચે પ્રમુખપદેથી