આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. રામનારાયણ વિ. પાઠક
૭૧
 


નિરૂપણ, વિવિધ રૂપે વ્યક્ત થતું મર્માળું કે સોપદંશ હાસ્ય સચોટ ને સંક્ષિપ્ત પાત્રાલેખન, અને વાર્તાની પોતાની સજીવતા તથા સહેતુકતા: આ સૌ ગુજરાતી નવલિકાસાહિત્યમાં અનોખી ભાત પાડે છે. ગંભીર અને એકલવાયા, સાદા અને સાધુ સમા લાગતા રામનારાયણભાઈમાં આટલી ને આવી રસિકતા, હાસ્યવૃત્તિ કે અવલોકનશક્તિ કોણ કલ્પી શકે ? તેઓ સમર્થ વિવેચક ને સુવિખ્યાત પત્રકાર છે; પુરાવિદ ને તર્કકોવિદ છે. તેઓ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક ને ભૂતપૂર્વ વકીલ છે, સમાજચિંતક ને રાષ્ટ્રસેવક છે, કેળવણીકાર ને આલંકારિક છે, તથા નિબંધકાર ને ‘શેષ’–પદધારી કવિ છે. તેમના એકાકી જીવનમાં કેવાં વિવિધ સ્થળો ને કેવા વિવિધ ભાવો રસ પૂરતાં હશે ને હૃદયને આર્દ્ર કરતાં હશે ? વિશેષમાં, તેઓ સમર્થ વિચારક અને ધીર વક્તા છે. તેમની મૌલિકતા–વિચારની તેમજ લેખનની–સવત્ર ભાત પાડે તેવી હોય છે.

તેઓ અભ્યાસી અને અવલોકનકાર બંને છે. સાહિત્યસેવા અને જનસેવા ઉભયમાં તેઓ રાચે છે, ને સક્રિય સાથ આપે છે. તેઓ કેવળ વિદ્વાન જ નથી, પણ વિશિષ્ટ કાર્યકર્તા યે છે. ‘પ્રસ્થાન’ની પ્રગતિમાં અને લોકપ્રિયતામાં શ્રી. પાઠકનો મહામૂલ્યવાન ફાળો છે. ‘પ્રસ્થાન’ને તેમણે પોતે પ્રગટાવ્યું, પાંગરાવ્યું ને પ્રફુલ્લ કર્યું. તેમની ઘણીયે સાહિત્યશક્તિઓ ને વિચાર–વલણો આ સામયિક દ્વારાજ જનતાને જાહેર થયાં છે. વિશેષમાં, રાજકારણ, સમાજ, કેળવણી, ધર્મ ઈત્યાદિ ઉપરના તેમના લેખો ને ખાસ કરીને તે ‘સ્વૈરવિહાર’ માટે ગદ્ય–સાહિત્યમાં તેમનું સ્થાન ચિરકાળ ટકી રહેશે.