આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સાહિત્યને ઓવારેથી
 


તેઓ ગાંધીજીના પરમભક્ત, પ્રશંસક ને અનુયાયી હતા, અને આજે પણ છે. રાષ્ટ્રના–માતૃભૂમિના–આહ્‌વાન સમયે સાહિત્યસુંદરી તેમને જેલમાં જતાં રોકી શકી નહિ. ‘મા’ની હાકલને માન આપવું તે પણ તેમને મન સાહિત્યસેવા જ હતી. તેમને સાહિત્યસેવા ગમે છે, કારણકે તેમને રાષ્ટ્રસેવા પ્રિય છે; અને આમ રાષ્ટ્રભક્તિના ઉત્તમ સાધન તરીકે જ સાહિત્ય તેમને આકર્ષે છે.

કોઈ ભરવાડણ કે મારવાડણ પોતાના બુલંદ અવાજે ગીત રેલાવતી જતી હોય, કે કોઈ ભિખારૂ મનોહર સ્વરે લોકગીત લલકારતું આવે, તો રામનારાયણભાઈ તે સાંભળીને લખી લેવામાં પણ સાહિત્યસેવા જ નીરખે છે; અને આમ ઘણીયે વાર કેટલુંક લોકસાહિત્ય ટપકાવી લે છે. આડંબર વિનાની મૂકસેવા એ જ તેમનું જીવનવ્રત છે.

એવા મહાત્માજીના મહાન પ્રશંસકે એ ગાંધીયુગની પ્રેરણા ઝીલી અને તેમને અનેકશઃ પ્રગટાવી. એ સંત તરફના પોતાના અમાપ આદરભાવને લીધે તેમણે કવિ ન્હાનાલાલ અને બીજા કેટલાય સાથેના સ્નેહસંબંધ જતા કર્યા; કારણકે મોટાઓની નિંદા કરનાર એકલા જ નહિ, પણ તે નિંદાને સાંભળનાર પણ પાપી બને છે એમ તેઓ સારી રીતે સમજતા. સંક્ષેપમાં, આ યુગનાં પાન કરી તેમણે સાહિત્ય રાષ્ટ્રહિત–ઉપકારક બનાવ્યું. તેવા આ, હમણાં જ ‘પ્રોફેસર’–પદ પામેલા, અને કરાંચીમાં સાહિત્યવિભાગના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયેલા, વિચાર અને વર્તનની એકતા સેવતા, સાહિત્ય અને રાજકારણની ભિન્નતાના પડદા ચીરતા, સાદા છતાં યે જ્યોતિ–ભર્યા, ગંભીર છતાં યે માર્મિક હાસ્યવાળા સાહિત્યભક્તને આપણાં વંદન હો !