આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. ચંદ્રશંકર પંડ્યા
૭૭
 


તરફ શ્રી. પરધુભાઈની મૈત્રીને લીધે તેઓ વધુ આકર્ષાયા; અને તે રીતે તેમણે પંડિત ‘ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર’ ગુજરાતીમાં આપ્યું. વળી ડો. એનિ બીસેન્ટવાળો થીયોસોફી પંથ તેની વિશુદ્ધિ અને ભ્રાતૃત્વના સંસ્કારને લીધે તેમને ખૂબ ગમી ગયો. સર્વધર્મ–સમન્વયના આ વાતાવરણમાં તેઓ એટલા બધા તો રસ લેતા થયા કે શ્રીમતી એનિ બીસેન્ટ સાથે ઈ. સ. ૧૯૧૪માં તેમના મહેમાન તરીકે અઙ્યાર (મદ્રાસ) પણ જઈ આવ્યા.

રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ શ્રી. ચંદ્રશંકર એક વખત અગ્રગણ્ય કાર્યકર્તા હતા. ઇ. સ. ૧૯૧૪ થી ’૧૬ સુધીમાં કોન્ગ્રેસની ગિરગામ જીલ્લા સમિતિના તેઓ મંત્રી હતા, અને મુંબઈની પ્રાંતિક મહાસભા સમિતિમાં પણ સહ–કાર્યકર્તા હતા. ઈ. સ. ૧૯૧૬–૧૭થી ડો. એનિ બીસેન્ટની ‘હોમરૂલ’ પ્રવૃત્તિએ તેમને અતિશય આકર્ષ્યા. ચંદ્રશંકરે તેમાં ઝંપલાવ્યું ને ઝડપી કાર્ય કર્યું. ત્યારે તેમનામાં યૌવનનો ઉત્સાહ હતો, હૃદયની સ્નેહાર્દ્રતા હતી, સેવાની તમન્ના હતી, તીવ્ર કાર્યનિષ્ઠા હતી, અને સંસ્કારપૂર્ણ સજ્જનતા હતી. ઈ. સ. ૧૯૧૬માં મુંબઈ પ્રાંતિક સંસારસુધારા પરિષદ ડો. પરાંજપેના પ્રમુખપદે ભરાઈ; અને ત્યારે ગાંધીજીથી સ્હેજે અંજાયા વિના શ્રી. પંડ્યાએ તેમની વિરુદ્ધ પણ માન અને મમતાભરી રીતે બોલવાની હિંમત અને નિખાલસતા દાખવી. આ યુગમાં તેઓ ‘સ્વરાજ્યગંગા ઘેરઘેર પહોંચાડનાર એક ભગીરથ’ મનાતા. ‘હૃદયે હૃદયે સ્વરાજ્યની દીપોત્સવી દેશમાં ઉજવવાના’ ત્યારે તેમને હૈયે કોડ હતા. સ્વરાજ્યના તે સૈનિક ગણાયા, સાહિત્યના સેવક મનાયા, વક્તા તરીકે વખણાયા, ને પત્રકાર તરીકે પંકાયા. જાહેરજીવનનાં અનેક ક્ષેત્રો તેઓ સફળતાથી સ્વલ્પ સમયમાં સર કરતા.