આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


હિંદુ ધર્મ

[૧]

હિંદુર્ધર્મ વિષે વિચાર કરતાં કેટકેટલાં વિચિત્ર તત્ત્વો નજર આગળ તરી આવે છે!

પ્રથમ તો, હિંદુ ધર્મ જેવો કોઇ ધર્મ જ નથી. આપણા એકે ધર્મગ્રંથમાં ‘હિંદુ’ નામ શાધ્યું પણ જડતું નથી. હિંદુ તરીકે ઓળખાવી ગર્વ લેનાર આપણે સહુ કોઇએ એટલું જાણવાની તો જરૂર છે જ કે આપણી સંસ્કૃત કે પ્રાકૃત ભાષાઓમાં ‘હિંદુ’ જેવો કોઈ શબ્દ જ નથી. વેદકાળથી તે વલ્લભાચાર્ય સુધીના કોઈ પણ આયાર્ય ‘હિંદુ શબ્દને ઓળખ્યો નથી, અને પોતાને હિંદુ તરીકે ઓળખાવવામાં અભિમાન લીધું નથી.

‘હિંદુ’ એ પરદેશ દીધો શબ્દ છે. પ્રાચીન ઇરાનવાસીઓ અને તેમના સંસર્ગમાં આવેલી પશ્ચિમની પ્રજાઓએ સિંધુ નદીને ‘હિંંદુ આપી સિંધુ કિનારે વસતા લોકોને હિંદુ કહ્યા. પશ્ચિમના પરિવર્તનમાંથી આજ આખો દેશ ‘ઇન્ડિઆ’ તરીકે પણ ઓળખાઇ ચૂક્યો છે.

એક એવી પણ માન્યતા છે કે ફારસી ભાષાના ‘હિંદુ’ શબ્દ તિરસ્કારવાચક અને રંગની કાળશનો સૂચક છે. ઇરાન, અફઘાનીસ્તાનના પહાડી પ્રદેશમાં કુદરતે ઉપજાવેલી ગોરી પ્રજા પહાડની પાર આવેલી ઘઉંવર્ણી પ્રજાને કાળી—‘હિંદુ’–કહે એ સમજી શકાય એમ છે. પશ્ચિમ એશિયાએ સાતમી સદીમાં ઈસ્લામનો વ્યાપક સ્વીકાર કર્યો અને ધર્મનું ઉગ્ર ભાન ખીલવ્યુ. ‘હિંદુ’ તરીકે પશ્ચિમમાં ઓળખાયલા હિંદવાસીઓ પ્રત્યે ધર્મભેદના કારણે ઊંડો ઊંડો તિરસ્કાર પણ છુપાયલો હોય એમાં નવાઇ નથી. આપણે પણ યવન, મ્લેચ્છ, તુર્ક જેવા શબ્દમાં આછો તિસ્કાર સંતાડી રાખતા નહિ હોઇએ એમ ભાગ્યે જ કહેવાય.

ઈસ્લામે હિંદુ ઉપર ધસારો કર્યો અને આપણે આપણી અશક્તિ અને કુસંપમાં એ ધસારાને વિજયી અને વ્યાપક બનવા દીધો. ઇસ્લામે સ્પષ્ટપણે ઇસ્લામથી જુદા ધર્મ પાળનાર તરીકે આપણને ‘હિંદુ’ કહ્યા: