આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ : સાહિત્ય અને ચિંતન
 

નહિ, પણ બીભત્સ ભાવ છે. અને એ આ ધર્માભાવનામાં અલખ નિરંજન નિરાકારમાં તન્મય બનવાની પણ રુચિર ક્રિયાઓ છે. ઊર્મિ ને આકાર આપતી ભક્તિ પણ એમાં છે, મેાક્ષની પરવા સુદ્ધાં ન કરતો વિરાગપણ એમાં છે, અને ઇશ્વર છે કે કેમ એવો મહાબંડખોર પ્રશ્ન કરતો સાંખ્યવાદ, નાસ્તિકવાદ, બૌદ્ધ અને જૈન મતવાદ પણ એમાં છે. એમાં પ્રારબ્ધ અને પુનર્જન્મનું સાંત્વન પણ રહેલું છે અને પરમપદને પામવાનો પુરુષાર્થ પણ સમાયલો છે. તેત્રીસ કોટી દેવથી આપણી કલ્પનાને ભરી દેતું સ્વર્ગ પણ એમાં છે અને એ દેવભૂમિથી પર લઈ જતો એકેશ્વરવાદ પણ તેમાં છે. એમાંની દેવકથાઓ, ભક્તકથાઓ અને વીરકથાઓથી ઉભરાતી ઇતિહાસસૃષ્ટિ માત્ર વર્તમાન કાળમાં રાચવાને બદલે સર્ગ, પ્રલય અને યુગયુગાન્તર તથા કલ્પને મહત્ત્વ આપી વ્યક્તિથી બહુ જ આગળ વધી કાલ–પુરુષના મહત્ત્વને ગુંજે છે અને સાથે સાથે વ્યક્તિની ઐહિક તુચ્છતા સમજાવી આમુષ્મિક દૃષ્ટિએ વ્યક્તિને બ્રહ્મ સાથે એકત્તાનું મહત્ત્વ પણ આપે છે. એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય–જીવન, જન્મ અને મરણની સરખી ઉપાસના થઈ રહેલી છે. અને બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્રનાં ભવ્ય અને મોહક રૂપકોમાં એ ઉપાસના સજીવન બની રહી છે, એ સંસ્કારગૂંથણીમાં સમાયલી ઉપાસનાએ આખું મૂર્તિવિધાન, મંદિર વિધાન અને શિલ્પસ્થાપત્ય આર્યાવર્ત ને આપ્યાં છે, જે હજી સુધી તો અજોડ મનાય છે અને એ જ ઉપાસનાએ પૂજન-અર્ચનને ઘેર ઘેર પહોંચાડી ઘર ઘરને ભક્તિભાવ અને સૌન્દર્યથી શણગાર્યાં છે. એ ગૂંથણી એક જ નમૂનામાં ગુંથાઈ અટકી જતી નથી. વિષ્ણુપૂજક શિવભક્તનો વિરોધી બનતો નથી, અને એ બંને ખુશીની સાથે શક્તિ કે ગણપતિના પૂજનમાં ભાગ લઈ શકે છે. એ ગૂંથણી સતત ચાલુ જ છે. પરાયા સંસ્કારને પેાતાના કરી દેતાં એ ગૂંથણીને બહુ જ સારું આવડે છે, અને જગતની કોઈ પણ માન્યતાનો વિરોધ રહે એવી અસહિષ્ણુતા એ ગૂંથણીમાં રહે એવો સંભવ જ નથી. એ સંસ્કારગૂંથણી એક જ સ્થળે ગૂંથાઈ અટકી જતી નથી. અસલ વિશ્વનાથ ભલે કાશીમાં હોય; એમની સ્થાપના વડોદરામાં કરવામાં શાસ્ત્ર આડે આવતું