આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ : સાહિત્ય અને ચિંતન
 

એકાદ માર્ગ સમતુલા ખોઈ બેસી વિચિત્રતા પ્રકટ કરે ત્યારે એ સમતુલા સાચવવા બીજા માર્ગો ઉપર ધર્મપ્રચારકો ભાર મૂક્યે જાય છે. કર્મમાં માત્ર જડતા આવે અગર આચાર ઉપચારનો ખટાટોપ વધી જાય, અથવા જ્ઞાન નિષ્ક્રયતા અગર શઠતામાં ઉતરી જાય ત્યારે ભક્તિ એક સુંદર ઝોલો લઈને પ્રજાજીવનની ઊર્મિઓ વિશુદ્ધ કરી ધર્મને સંજીવની આપે છે. ભક્તિ પણ અંધ વેવલાશમાં ઉતરી પડે ત્યારે જ્ઞાન અગર કર્મ આગળ આવી સમતુલા સાચવી રહે છે. હિંદના ધાર્મિક ઈતિહાસમાં તો આમ બનતું જ આવ્યું છે.

વેદકાળથી આર્યોએ કર્મ, ઉપાસના અને જ્ઞાનને સ્પષ્ટ રીતે સ્વીકાર્યા છે. યજ્ઞ–યાગાદિકમાં કર્મ, આવાહનોમાં ભક્તિ–ઉપાસના અને ધ્યાનચિંતનમાં જ્ઞાન આર્યધર્મ સ્કૂટ કર્યાં છે, અને તેમનાં ઘટતાં વધતાં મોજાં ધર્મ ઇતિહાસમાં માપી શકાય છે.

વેદકાળની ઉપાસના મૂર્તિપૂજાને માન્ય કરતી હતી કે કેમ, એ પ્રશ્નનું નિરાકરણ વિદ્વાનો કરી શક્યા નથી. વેદકાલીન અવશેષો એવા મળ્યા નથી કે જે ઉપરથી મૂર્તિપૂજાનું અસ્તિત્વ આપણને સ્પષ્ટ થાય. વેદકાળથી પણ પહેલી ગણાતી મોહન–જો–ડેરોની–સિંધુતટ સંસ્કૃતિમાં દેવ–દેવીની મૂર્તિઓ અને શિવલિંગ સરખી આકૃતિઓ મળી આવી છે. પરંતુ તેમની કશી સ્પષ્ટતા થઈ નથી. એ ચર્ચા વિદ્વાનો માટે રહેવા દઈ આપણે એટલું જ સ્વીકારીએ કે ઉપાસના–ભક્તિભાવ કોઈપણ ઈષ્ટને ઊર્મિ દ્વારા વળગવા જરૂર મથે છે, અને વળગવા માટે મૂર્તિ એક સબળ સાધન બની રહે છે. શાસ્ત્રીય રીતે બુદ્ધિને આધારે મૂર્તિપૂજા સાબિત થઈ શકે કે કેમ અને મૂર્તિ પૂજા ઈષ્ટ છે કે અનિષ્ટ એ ચર્ચાને આપણે બાજુએ મૂકીએ. એટલું તો ખરું જ કે પ્રતીકોના શોખીન માનવીને મૂર્તિ ઈશ્વરત્વના પ્રતીક તરીકે ઘણી ફાવી જાય છે. છબીઓ અને બાવલાંની ઘેલછા કાઢતો સુધરેલો વર્તમાન માનવી મૂર્તિ પૂજાનો ભાગ્યે સાચો વિરોધી બની શકે. જાતેજ મૂર્તિરૂ૫ માનવી પ્રભુને પણ મૂર્તિમાં ઉતારવા મથે એમાં આશ્ચર્ય નથી.

આજ બૌદ્ધ, જૈન, અને ખ્રિસ્તી ધર્મનું પૂજન સ્વીકાર્યું છે અને મૂર્તિવિરોધી ઈસ્લામ કે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી માર્ગે આછા પાતળા સંકેતો