આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦ : સાહિત્ય અને ચિંતન
 

હિંંસક વૃત્તિ મર્યાદિત કરી, કુટુંબ પૂરતા નિયમો તેણે સ્વીકાર્યા અને તે પ્રમાણમાં માનવી સંસ્કાર પામ્યો. પોતાના રક્ષણ માટે, પોતાના લાભ માટે અને પોતાના સ્વાર્થ માટે હિંસા કરવી જ પડે એ ખ્યાલ તેણે કુટુંબના સ્વીકાર સાથે જ દૂર કર્યો; સ્વરક્ષણ જેટલું જ કુટુંબ રક્ષણ મહત્ત્વનું બની ગયું. પોતાની સ્ત્રી માટે, પોતાનાં બાળક માટે માનવીએ બહુ ઝીણી અને કુમળી લાગણી અનુભવવા માંડી, અને એ લાગણીઓને પ્રભાવે સ્વરક્ષણ સિવાય બીજું કાંઈ ન સમજતો માનવી પત્નીના રક્ષણની, બાળકના રક્ષણની, કુટુંબના રક્ષણની જવાબદારી સ્વખુશીથી ઉઠાવતો થયો. તેનું સ્વત્વ વિસ્તાર પામ્યું અને પોતાના અંગથી–પોતાની જાતથી આગળ વધી આખા કુટુંબ ઉપર છવાયું. હિંસાને કુટુંબમાંથી દેશવટો મળ્યો. રસવૃત્તિ, પ્રેમશૌર્ય અને વાત્સલ્ય અમૂલ્યની લાગણીઓ આપણને આ કુટુંબ ભૂમિકામાંથી પ્રાપ્ત થઈ, હિંસાને માનવીએ પ્રાથમિક જીવનમાં મર્યાદિત કરી એટલે એને કુટુંબ મળ્યું, કુટુંબે વિકસાવેલી લાગણીઓ માનવસંસ્કૃતિનું મોટામાં મોટું ધન છે. આજ કુટુંબને ન ઇચ્છતી—કુટુંબમાં ફેરફાર સૂચવતી વૃત્તિઓ પણ એ કુટુંબ દીધાં ધનને ખોવા માટે જરાય તૈયાર નથી. રસવૃત્તિ, પ્રેમશૌર્ય, Chavalry અને વાત્સલ્ય જીવંત રહેવાં જ જોઈએ. આ વિકાસક્રમ બતાવી આપે છે કે એકલ જીવનમાં સ્વીકારાતી હિંસામાંથી કૌટુંબિક જીવનની મર્યાદામાં જતાં હિંસાની પણ ઘણી મોટી રૂકાવટ થઈ ચૂકી છે.

એ હિંસા ચાલુ રહી હોત, પુરુષ અને સ્ત્રી એક બીજાને દુશ્મન લેખતાં હોત, પરસ્પર હિંસાને પાત્ર ગણતાં હોત અને બાલકોને તેમણે ભાવિ શત્રુ માન્યાં હોત–બાળકોનો સંભવ આવી દુશ્મનભાવનામાં પણ સ્વીકારીએ તો–આજ જનસમાજનું અસ્તિત્વ જ હોત કે કેમ એ શંકાનો વિષય છે.

આ ચીલો આગળ વધતો જાય છે, એટલું જ નહિ, એ વધારે સ્પષ્ટ અને વધારે વિસ્તૃત બનતો જાય છે, કુટુંબના સ્વીકારમાંજ આખા ગોત્રનો સ્વીકાર બીજરૂપે રહેલો છે જ. કુટુંબમાંથી ગોત્રની ભાવના વિકાસ પામી સ્પષ્ટ બને એ અરસામાં હિંસાનું બીજું વર્જન