આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



શ્રીમદ્ ભગવદ્‌ગીતા


પાંચ હજાર વર્ષ ઉપરનો એક બોલ ! આજ એવો અને એવો જીવંત છે. એ બોલની આસપાસ આખી આ સંસ્કૃતિ રચાઈ છે, કહો કે રચાયેલી આખી આર્ય સંસ્કૃતિ સજીવન રહેલી છે. કુરાનની આસપાસ ઊગેલી સંસ્કૃતિને તેરસો ચૌદસો વર્ષ થયાં, બાઇબલની પ્રેરણાથી ઊભી થયેલી માનવ શિષ્ટતાનાં બે હજાર વર્ષ. આર્ય સંસ્કૃતિને જીવંત રાખતા એક મહાઉચ્ચારણને પાંચ હજાર વર્ષ થયાં. પાંચ પાંચ હજાર વર્ષોથી આ સંસ્કૃતિને પ્રફુલ્લ રાખી રહેલા એ પ્રેરણાધોધમાં કેટકેટલાં અમૃતઝરણાં ભળ્યાં હશે ? સંસ્કૃતિઓ રચતાં કુરાન અને બાઈબલ જગતની માનવજાવના મહાબોલ. ગીતા એથીયે જુનો છતાં એવો જ જીવંત માનવ બોલ. પાંચ હજાર વર્ષ ઉપરનો એ બોલ…! જોકે પશ્ચિમી અભ્યાસની દૃષ્ટિને આર્યોની સંસ્કૃતિનું અગ્રપણું સ્વીકારતાં સંકોચ થાય છે ખરો.

મહત્તા શું જૂનવાણીમાં રહી છે ? નવીનતા માગતા વર્તમાન યુગને એ પ્રશ્ન સહજ થાય. ખરો. માત્ર જૂનવાણી એ જ મહત્તા નથી. પાંડવ કૌરવ ગયા; ચંદ્રગુપ્ત અને અશોક અદૃશ્ય થયા; કનિષ્ક, હર્ષ અને વિક્રમાદિત્ય ભૂતકાળ બની ગયા; પૃથ્વીરાજ અને શાહબુદ્દીન એ માત્ર પૂર્વકાળના ભણકારા; અકબર અને જહાંગીર જહાન પર નથી; ઔરંગઝેબ અને શિવાજીના અસ્તોદય ઈતિહાસ બની આપણી નજર આગળથી અળગા થયા; આજ ટોપીવાળાનાં ટોળાં આપણા વર્તમાનકાળમાં ઊભરાઈ રહ્યાં હતાં. તે યે ગયાં, અને હવે જૂનવાણી ગણાઈ જશે. અને નવીન સ્વાતંત્ર્યનો અરુણ આકાશ રંગી રહ્યો છે. એ સર્વજૂનવાણીમાંથી વહી આવેલો એક અજર અમર બોલ કૈક જૂનવાણીઓને બાજુએ ફેંકી આજપણ પાંચ હજાર વર્ષ ઉપર પાડેલા સચેતન પડઘા હજી પાડ્યા જ કરે છે, અને એ પડઘા હજી ઝીલાયે જાય છે.