આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



શિક્ષકોનું માંગલ્ય

મુંબઈ ઇલાકાના પ્રાથમિક શિક્ષક સંઘના છઠ્ઠા અધિવેશનનું મંગધ પ્રવચન કરતાં મને આનંદ થાય છે. મંગલ પ્રવચનમાં સહુનું માંગલ્ય જ ઇચ્છવાનું હોય. આખી માનવજાત અત્યારે વિવિધ વર્તુલોમાં ઘૂમરીઓ ખાઇ રહી છે. માનસિક સંતાપોની પરાકાષ્ઠા અનુભવી રહી છે, અને સુખસાધનો વધ્યાં છે એમ કહેવા છતાં શરીરને ઘસી નાખતાં અનેકાનેક ઘર્ષણોમાંથી તે પસાર થઈ રહી છે. પ્રાંતિક રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને અખિલ ભૂમંડલમાં વ્યાપી રહેલી અશાંતિ કાંઇક નવીન શાંતિરચના તરફ આખી માનવજાતને અને આપણા દેશને ખેંચી રહી છે, એવી શ્રદ્ધાની આછી લકીર અનુભવતાં હું સહુનું માંગલ્ય, સહુનું કલ્યાણ, સહુનું સુખ અને સહુની શાંતિ ઇચ્છુ છું, અને એ ઈચ્છા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હું વ્યક્ત કરૂં છું.

મોટે ભાગે મુલકી વહીવટ સાથે મારો આખો સેવાકાળ વ્યતીત થયો છે, છતાં શિક્ષણસંસ્થાઓનો પરિચય હું મેળવતો રહ્યો છું. શિક્ષકોની સાથે મેં મૈત્રી બાંધી છે. અને તેમાંય ખાસ કરી પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકો સાથે હું બહુ નિકટના સંબંધમાં આવ્યો છું. મને માત્ર વડોદરા રાજ્યનો જ પરિચય છે, છતાં મને મળેલો અનુભવ સર્વનો અનુભવ હશે જ કે પ્રાથમિક કેળવણી આપતો શિક્ષક એક બહુ માનવંત, સંસ્કારપ્રેરક વર્ગ છે. આખી ગુજરાતી પ્રાચીન કાવ્યમાલાની ટીકા અને વિદ્વત્તાભરી પ્રસ્તાવનાઓ લખનાર છોટાલાલ નરભેરામ ભટ્ટ, કાવ્ય અને સંશોધનમાં રત રહેલા શ્રી. જગજીવનદાસ દયાળજી મોદી, ગ્રંથ–પ્રકાશનમાં ભાત પાડનાર શ્રી. જીવણલાલ અમરશી મહેતા, વર્તમાન કાવ્યસાહિત્યમાં અનોખ઼ું સ્થાન મેળવનાર બોટાદકર, કવિ બનતાં અટકી ગએલા દેવચંદ રામજી, તેમ જ માન્ય કવિ બની ચૂકેલા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ સરખાં