આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : સાહિત્ય અને ચિંતન
 

કેળવણીની વિદ્યાપીઠોમાં શિક્ષણ આપનાર પ્રોફેસર સીધો જ યુનિવર્સિટીની પરીક્ષા આપી શિક્ષકને સ્થાને બિરાજી જાય છે. પ્રોફેસરોની નિયમિતતા, તેમની શિક્ષણશક્તિ, તેમનાં ચારિત્ર્ય અને તેમના સંસ્કાર સંબધી વાત જેટલી ઓછી કરીએ એટલું વધારે સારું વધારેમાં વધારે પગાર લઈ ઓછામાં આછું કામ આપતા અને ઓછામાં ઓછી પરિણામ – જવાબદારી માથે લેતો કોઈપણ વર્ગ હોય તો તે કોલેજનો પ્રોફેસર વર્ગ છે; એ મેં આજ નહિં પણ ઘણીયે વાર કહ્યું છે. અને પ્રોફેસર તથા પ્રાથમિક શિક્ષણના પગારની સરખામણી કોઈએ કરી છે ખરી.

દુનિયાના પ્રગતિશીલ દેશોની માફક હિંદુસ્તાનને પણ એક આર્થિક રોગ લાગુ પડ્યો છે; જીવન-ધોરણ ઉચ્ચ કરો અને એને માટે તમારાથી માગી શકાય એટલા વધારે તમારા કામનો બદલો માગો ! સેવાભાવના વડે મેળવેલા સ્વરાજ્યમાં આ મંત્રના જાપ ચાલ્યા જ કરે છે. ભારતની સામાન્યતા અને ભારતનાં ઉચ્ચ શિખરો વચ્ચે કેટલો આર્થિક ભેદ રહેલો છે એનો ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને લાખો અને કરોડો મેળવવાનો હક્ક હોય જ. વિલાયત કે અમેરિકા જઈ કહેવાતી ઉચ્ચ કેવળણી લઈ આવનાર હિંદવાસીનું જીવન-ધોરણ ઉચ્ચ હોવાથી અને એની અલભ્ય ડિગ્રીનો લાભ આપણા ગરીબ દેશવાસીને આપવાનો હોવાથી એને તો ભરપટ્ટે પગાર આપવો જ જોઈએ. યાંત્રિક અને તાંત્રિક શિક્ષણ વગર દેશનું દારિદ્રય ફીટવાનું નહિ; એટલે એનું શિક્ષણ પામેલા સહુ કોઈ વધારે મુસાહીરો માગે જ. અમલદારો વગર એકે વહીવટ–ચક્ર ચાલે જ નહિ એટલે એમને સંતુષ્ટ રાખવા જ જોઈએ. ન્યાયધીશો, ન્યાયને તોળનાર–ન્યાય અધિષ્ઠાતાઓને તો એટલો પગાર આપવો જોઈએ કે જે તેમને પ્રલોભનોથી પર રાખે ! પ્રલોભનથી પર રાખે એટલું વેતન માગનાર, આપનાર અને તેની તરફેણ કરનારને એક જ સત્ય સંભળાવવાની મને ઈચ્છા થાય છે: ન્યાયાધીશોને અપાતો પગાર કોઈ પણ ગુન્હેગારને આપવામાં આવશે તે દિવસે એ માનવી જરૂર ગુન્હેગાર મટી જશે