આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : સાહિત્ય અને ચિંતન
 

ન બનાય. એટલે સાહિત્યકારની મોટાઈ આક્રમક્ર હોવી ન જોઈએ; એના અહંમાંથી ઊપજેલી ન હોવી જાઈએ.

[૨]

સાથેસાથે સાહિત્ય કે સાહિત્યકારે બીજાઓને પડછે ખાસ શરમાવાની પણ જરૂર નથી. નવલિકા લખનાર કશું પાપ કરતો નથી, કવિતા રચનાર કઈ કલંકને નોતરતો નથી. સાહિત્ય પ્રત્યે–એટલે સાહિત્યકાર પ્રત્યે ઘણીવાર જનતાનો કેટલાક ભાગ મહેરબાનીની નજરે નિહાળે છે:–

‘લેખક છો ? એમ કે ? વાહ ! બહુ સારું !’

એમ કહી લેખકની જરાય કિંમત મનમાં ન હોવા છતાં મહેરબાનીભર્યો વિવેક દર્શાવવાની શિષ્ટતા સમાજમાં જાણીતી છે. સાહિત્યકારે કોઈની મહેરબાની માગતા ફરવાની જરૂર નથી. મહેરબાની માગનારા ભિક્ષુકનું માનસ ખીલવે છે.

પરંતુ આટલી ચે શિષ્ટતા ન રાખનારો એક વર્ગ સાહિત્ય પ્રત્યે મહેરબાનીને બદલે તુચ્છપણું પણ સેવતો હોય છે.

‘પુસ્તકો લખ્યાં છે? પણ આપણે સાહિત્યમાં કાંઈ ન જાણીએ. એ સાહિત્યફાહિત્યમાં આપણને બહુ સમજ ન પડે !’

સાહિત્યથી દૂર રહેવામાં માન સમજતા વર્ગનું આ કથન નમ્રતાસૂચક હોતું નથી. સાહિત્ય જેવી તુચ્છ, નિરુપયોગી વસ્તુનો સ્પર્શ કરવાની પણ જરૂર નથી, એમ ઘમંડસૂચક માનસ–Superiority complex માંથી આ શબ્દ ઉપજી આવે છે.

કેટલાંક વર્ષો પર એક સદ્‌ગત સારા સાહિત્યકાર જે ધર્મગુરુ પણ હતા તેમના મંદિરનું ઉદ્‌ઘાટન કરવાને પ્રસંગે તેમના સાહિત્યની ઉચ્ચ કક્ષા ઉપર ભાર મુકાયો. પ્રમુખસ્થાને બિરાજેલા એક ન્યાયમૂર્તિને લાગ્યું કે સાહિત્યકારે તો કૈંક થયા અને થશે; પરંતુ ધર્મગુરુ થવા મુશ્કેલ છે. તેમને લાગ્યું એ પ્રમાણે તેમને કહ્યું પણ ખરું. હિંદમાં સાહિત્યકારો અને ધર્મગુરુઓના વર્ગ પાડી વસતિગણતરી કરવામાં આવે તો સાહિત્યકારોની સંખ્યા વધે કે ધર્મગુરુઓની, એ પ્રશ્ન આપણે બાજુએ મૂકીએ. પરંતુ સાહિત્યના પક્ષપાતી એક શ્રોતાએ મને તો આ સાંભળીને કહ્યું જ કે :