આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪ : સાહિત્ય અને ચિંતન
 


આપણે મિયાણા કોમનો પરિચય કરીએ

કચ્છના અખાત અને કચ્છનું રણ કાઠિયાવાડ ગુજરાતને કચ્છથી અલગ પાડી દે છે. અખાતને લાગીને જ કચ્છનું નાનું રણ આવેલું છે તે રણનો કેટલોક ભાગ કાઠિયાવાડની ઉત્તરસીમાને ઘેરી રહ્યો છે. એ રણની પાસે કાઠિયાવાડ કિનારે માળિયા નામે એક ગામ આવેલું આજ સુધી તો માળિયા એક દરબારી ગામ હતું. મિયાણા તે માળિયા ગામના ખાસ વતની. મુખ્ય વસ્તી માળિયામાં હોવા છતાં સિંધ અને કચ્છમાં તેમની થોડી થોડી વસ્તી છે ખરી. પાલનપુર, અમદાવાદ સુધી વેરાયેલાં બધાં સ્ત્રી પુરુષો મળી દસેક હજાર મિયાણાની વસ્તી ગણાય. ઈતિહાસકારો કહે છે કે મિયાણા અસલ સિંધના વતની, દરિયાકિનારે વસે અને માછીમારનો ધંધો કરે. દરિયા સાથે સંબંધમાં આવનારી ઘણીખરી પ્રજાની માફક મિયાણા બહુજ મજબૂત જાત. પથરાતા પથરાતા તેઓ કચ્છ ભુજમાં આવ્યા, અને દેશ છોડી પરદેશ આવતાં તેમની તોફાની અને ગુન્હાઈત વૃત્તિ વધતી ચાલી. બસો સવા બસો વર્ષ ઉપરાંતની વાત છે, જ્યારે માળિયાના દરબાર અને તેમના વડીલ શાખાના મોરબીના ઠાકોર વચ્ચે ઝઘડો થયો. માળિયા દરબારે મિયાણાની શક્તિ પીછાણી હતી એટલે મોરબી સામે પોતાને મદદરૂપ થઈ પડે તે માટે કચ્છમાંથી મિયાણાઓને બોલાવી માળિયામાં વસાવ્યા, તેમને જમીનો કાઢી આપી, અને પોતાના હક્કનાં ગામો માળિયા દરબારને મળે અને તે મોરબીથી સ્વતંત્ર થાય એવી રીતે મિયાણાઓએ દરબારને મદદ પણ કરી. પરંતુ મિયાણાને બોલાવવાનું દરબારનું પગલું તેમના વંશજોને ભારે થઈ પડ્યું. કાઠિયાવાડની અશાંત અને તોફાની કોમમાં મિયાણાઓને અગ્રસ્થાન મળ્યું અને ચોરી, લૂંટફાટ અને કાયદા વિરોધી કૃત્યો કરવામાં તેમણે ભારે નામના મેળવી. મિયાણાઓને કાયદામાં રાખવા એ કાર્ય એક મોટી સમસ્યા બની ગયું.

મિયાણો એટલે ઊંચો,ભરાવદાર, સ્નાયુબદ્ધ અને ચપળ માનવી. એને ઘોડે બેસતાં પણ સારું આવડે અને તીર અને બંદુક મારતાં પણ સારું આવડે. એની હિંમતનો પાર નહિ, અને ગુન્હાઈત કાર્યમાં તેનું