આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ : સાહિત્ય અને ચિંતન
 

ઊર્મિની આતિશયતા પોકળ પ્રલાપમાં ઉતરી પડે અને કાવ્યધડતર યંત્ર સરખી રૂઢિ બની જાય ત્યારે ચિંતન તરફ કવિતા ભાર મૂકવા પ્રયત્ન કરે છે. અને ચિંતનની કઠોરતા Deccan Trap-સહ્યાદ્રિઃ પાષાણ સરખી પથરિયા, અપ્રવાહી વિચારધનતામાં કે વિચારજડતામાં ઉતરી પડે ત્યારે ચિંતન ઊર્મિની કુમળાશને વળગવા માગે છે. ઉર્મિ પોકળ પ્રલાપ બને અને ચિંતન વિચારજાડય બને ત્યારે બંને વલણે ફેરફાર જરૂર માગે. અને કવિતાનો ઝોક એકથી બીજી પાસ વળવા મથે એ સાહજિક છે. પરંતુ આજની ચાલુ માન્યતા તો જાણે કાવ્યમાં ઉર્મિને સ્થાન જ ન હોય એવી સરણી ઉપર આવતી જતી દેખાય છે. ઉર્મિરહિત ચિંતન કાવ્યનું પ્રેરણાઝરણુ નથી. ચોખ્ખું નિર્ભેળ ચિંતન જ જોઈતું હોય તો સીધાં સુત્રો રચવામાં શી હરકત છે?

ચિંતન જોઇતું હોય તો એને કવિતાની શી જરૂર છે ? કવિતા વગર ચિંતન સિદ્ધ ન જ થાય એમ હોય તે પણ પૃથ્વી છંદની એવી ત કઈ વિશિષ્ટતા છે કે જે એ સિવાયના બીજા કેઈ છંદમાં ન જ આવી શકે? જે વિશિષ્ટતા પૃથ્વી છંદને આરોપવામાં આવે છે તે જ વિશિષ્ટતા એ જ ઢબે બીજા કોઈપણ પ્રલંબ છંદને આરોપવામાં આવે તો એમાં ભાગ્યે જ કશું ખોટું કહેવાય. મંદાક્રાન્તા, સ્ત્રગ્ધરા અને શાર્દૂલ સરખા પ્રલંબ છંદોએ ઓપેલું ચિંતન પૃથ્વી છંદના ચિંતન કરતાં ભાગ્યે જ ઉતરતું હોય ! સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં આનું અનવેષણ કરવામાં આવે તો આ વાત સ્પષ્ટ થાય એમ છે. પૃથ્વી છંદના અત્યારે થતા રૂઢિબદ્ધ, યંત્રબદ્ધ અતિ ઉપયોગથી એનામાં જે કાંઈ ઓછી વધુ ચિંતન ધારણ કરવાની શકિત હશે તે પણ ખરબચડી અને દુર્બોધ બનવાના ક્રમમાં પડી છે એ રખે કોઈ ભૂલે.

ચિંતન અને છંદનો સહજ વિચાર કરતાં આપણને સ્પષ્ટ થાય છે કે ગુજરાતી ભાષાનું એક શ્રેષ્ઠ ચિંતન કાવ્ય ઝુલણા સરખા સરળ અને ગેય છંદમાં નરસિંહ મહેતાએ જેવું ઉતાર્યું છે તેવું ભાગ્યે જ બીજા કોઈ છંદમાં ઉતરી શકયું હશે. આપણે એ દષ્ટાંત જોઈએ: